મોરબી : ચકચારી ૧.૧૯ કરોડ લૂંટ પ્રકરણમાં ત્રણ ઝડપાયા, ૮૬.૭૭ લાખનો મુદામાલ રીકવર
ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા સમગ્ર લૂંટનો પ્લાન ઘડાયાનો ઘટસ્ફોટ
મોરબીમાં આંગડીયા પેઢીના કર્મચારીને તલવાર બતાવી ગિલોલથી પથ્થરો મારી ઈજા કરી ૧.૧૯ કરોડની ધોળે દિવસે લૂંટ કરીને ફરાર થયેલા ત્રણ ઇસમોને એલસીબી ટીમે ઝડપી લઈને રોકડ રૂ ૭૯.૭૪ લાખ, ગુનામાં વપરાયેલ કાર અને મોબાઈલ સહીત ૮૬.૭૭ લાખનો મુદામાલ રીકવર કરાયો છે તેમજ ગુન્હામાં સંડોવાયેલ અન્ય ઇસમોને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
મોરબીની વી પટેલ આંગડીયા પેઢીના કર્મચારી મનીષભાઈ પટેલ સહિતના બે કર્મચારીને માર મારી શનાળા બાયપાસ નજીકથી ૧,૧૯,૫૦,૦૦૦ ની રોકડની લૂંટ કરી ચાર ઈસમો કારમાં બેસીને ફરાર થયા હતા જે બનાવ મામલે રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહની સુચનાથી પૂર્વ એસપી સુબોધ ઓડેદરા અને હાલના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ ગુનાનો ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમિયાન લૂંટના બનાવમાં મળેલ મુદામાલ ની ભાગબટાઈ માટે ત્રણ ઈસમો વાંકાનેર વીડી વિસ્તારમાં દલડી ગામની આસપાસ આવવાના હોવાની બાતમીને પગલે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી જેમાં આરોપી મહમદ અલી ઉર્ફે પરવેઝ અલ્લારખા મુસા ચૌહાણ રહે રાજકોટ, સવસીભાઈ હકાભાઇ ગરાભડીયા રહે નાના માત્રા વીંછીયા અને સુરેશ મથુરભાઈ ગરાભડીયા રહે નાના માત્રા તા. વીંછીયા એમ ત્રણ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે
કેવી રીતે ગુનાનો ભેદ ઉકેલાયો ?
આરોપીઓની ઓળખ મેળવવા મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, એસઓજી, મોરબી તાલુકા ઉપરાંત મોરબી એ ડીવીઝન અને ટંકારા પોલીસના અધિકારીઓની ટીમો બનાવી ગુનામાં વપરાયેલ હુન્ડાઈ વેન્યુ કારની તપાસમાં અલગ અલગ વિસ્તારમાં તપાસ કરતા હોય દરમિયાન બાતમીદારો મારફત બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલ આરોપી જાવીદ અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ વાળો જે સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર/ક્લીનર તરીકે નોકરી કરે છે તેના સગા ભાઈ પરવેઝ અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ વાળાને ટીપ આપી હતી જેને મિત્ર પંકજની મદદથી કાવતરું રચ્યું હતું અને પંકજે નાના માત્રા ગામના સુરેશ કોળી, સવશી કોળી અને ત્રણ અજાણ્યા ઈસમોનો સંપર્ક કરી બનાવને અંજામ આપ્યો હતો તેવી માહિતી મળી હતી અને ભાગબટાઈ માટે ત્રણ ઈસમો રોકડ સાથે આવતા એલસીબી ટીમે દબોચી લીધા હતા
કેવી હતી આરોપીઓની લૂંટ અંગેની મોડસ ઓપરેન્ડી
લૂંટનો મુખ્ય સુત્રધાર પરવેઝ ચૌહાણને તેના ભાઈ આરોપી અબ્દુલ કાદર ઉર્ફે જાવીદ ચૌહાણ છેલ્લા ૧૫-૧૭ વર્ષથી સોમનાથ ટ્રાવેલ્સમાં નોકરી કરતો હોવાથી આંગડીયા પેઢીની રોકડ રકમના પાર્સલો રાજકોટથી મોરબી જતા હોવાની પૂરી જાણકારી ધરાવતો હતો જેની ટીપ તેના ભાઈ મહમદ અલી ઉર્ફે પરવેઝને આપી હતી જે આધારે પરવેઝે તેના મિત્ર પંકજ સાથે મળી કાવતરું રચી બસના રૂટ બાબતે માહિતી આપવાની અને બનાવને અંજામ આપવાની તેમજ વાહનની વ્યવસ્થા પંકજે કરવાની જવાબદારી લીધી હતી
લૂંટમાં ગયેલ કેટલો મુદામાલ રીકવર કરાયો ?
આંગડીયા પેઢીના કર્મચારીઓને માર મારી ૧.૧૯ કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી જે બનાવમાં રોકડ રૂ ૭૯.૭૪ લાખ, હુન્ડાઈ વેન્યુ કાર જીજે ૦૩ એલએમ ૮૩૩૯ કીમત રૂ ૭ લાખ અને ૧ મોબાઈલ કીમત રૂ ૩૦૦૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તો લોખંડ પાઈપ અને ગુપ્તી જેવા હથિયારો પણ પોલીસે કબજે લીધા છે
ફરાર ત્રણ આરોપીના નામો ખુલ્યા, શોધખોળ ચાલુ
લૂંટના ગુન્હામાં ફરિયાદીએ ચાર ઈસમો આવ્યા હોવાની કેફિયત આપી હતી જેમાં પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લીધા છે તો અન્ય ત્રણ આરોપી અબ્દુલકાદર ઉર્ફે જાવીદ અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ (ટીપ આપનાર), ઇમરાન અલ્લારખા ચૌહાણ રહે રાજકોટ (ગુન્હામાં કાવત્રામાં સામેલ થઇ મદદ કરનાર) અને પંક્જ કેશાભાઇ ગરાભડીયા રહે નાનામાત્રા તા. વિંછીયા એમ ત્રણ ઇસમોને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે