આ સમુહલગ્ન મહોત્સવમાં ૫૬ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં મોરબી: મોરબી જિલ્લા ઉમિયા પાટીદાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે મોરબી થી ૧૫ કિલોમીટર દૂર ચાચાપર ગામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૫૬ નવ દંપતિઓએ લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પડ્યા હતા આ બાબતે વાત કરીએ તો સમાજમાં દેખાદેખીના ખોટા ખર્ચા અને ભપકા બંધ કરીને અમીર કે ગરીબ તમામ પોતાના સંતાનોને યોગ્ય રીતે લગ્ન કરી શકે તે માટે વર્ષ ૨૦૦૨ માં ખાખરેચી ગામે પાંચ નવદંપતીથી સમૂહ લગ્નનું આયોજન થયું હતું.
જેને દર વર્ષે ખૂબ જ મોટો પ્રતિસાદ મળ્યો હતો અને ક્યારેક તો વર્ષમાં બે વાર સમુહલગ્ન કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. અને હવે લોકો ખોટા ખર્ચા કે ભપકા કરવાનું બંધ કરીને સમૂહલગ્ન કે ઘડીયા લગ્નમાં જોડાવા લાગ્યા છે. અને આ પચ્ચીસમો સમૂહ લગ્ન હોવાથી રજત જયંતિ ઉજવવામાં આવી રહી છે તેવું મોરબી જિલ્લા ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર મનુભાઈ કૈલા એ જણાવ્યું હતું.
આ સમારોહમાં પાટીદાર સમાજના ભામાશા ગણાતા ગોવિંદભાઈ વરમોરા, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રીઓ બ્રિજેશભાઇ મેરજા, જયંતીભાઈ કવાડિયા, બી.એચ. ઘોડાસરા, જયેશભાઇ પટેલ, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દામજી ભગત નકલંક ધામ બગથળા સહિત સંતો મહંતોની પણ હાજરી હતી જેમણે નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ૫૬ નવદંપતિઓનાં સમુહલગ્ન મહોત્સવનેં સફળ બનાવવા માટે સમુહલગ્ન સમીતીનાં સભ્યો, ગામે ગામથી સેવા આપવા આવેલા યુવાનોની જહેમત ઉઠાવી હતી.