માઈન્ડ ટ્રેનર ડૉ. જિતેન્દ્ર અઢિયાનું પરાક્રમી પાટીદાર પુસ્તકનું વિશ્વઉમિયાધામ ખાતે વિમોચન
મોરબી: વિશ્વવિખ્યાત માઈન્ડ ટ્રેનર અને લાઈફ કોચ ડૉ. જિતેન્દ્ર અઢિયાનું નવું પુસ્તક “પરાક્રમી પાટીદારો”નું પૂર્વ ઉપમુખ્યમઁત્રી નીતિનભાઈ પટેલ અને પરમપૂજ્ય જીગ્નેશદાદાના વરદ્દ હસ્તે વિમોચન
જીવ-સટોસટના સાહસો ખેડીને અમેરિકા પહોંચેલા અને ત્યાં છાતીના પાટિયા બેસી જાય એવો સંઘર્ષ વેઠીને અબજોપતિ બનેલા સાહસવીર પાટીદારોની રૂંવાડા ખડા કરી દે એવી અદ્દભૂત જીવન કહાણીઓ આલેખતા આ પુસ્તકનું વિમોચન 2 જાન્યુઆરી, 2023, મંગળવારના રોજ વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ ખાતે ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમઁત્રી નીતિનભાઈ પટેલ અને પરમપૂજ્ય જીગ્નેશદાદાના વરદ હસ્તે થયું છે.
“માનવ-મનની અગાધ શક્તિ શું છે અને તેનો ઉપયોગ કરીને જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતાના શિખરો કઈ રીતે સર કરી શકાય” એ વાત શીરાના કોળિયાની જેમ ગળે ઉતરાવી દેતા ડૉ. અઢિયાના સૌ પ્રથમ પુસ્તક “પ્રેરણાનું ઝરણું”ની દસ લાખથી વધુ નકલો વેચાઈ છે જે ગુજરાતી ભાષાના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. એ પછી એમણે 110 જીવનામૃત સમાન વિવિધ પ્રેરણાદાયી પુસ્તકો લખ્યા છે. “પરાક્રમી પાટીદારો” નામનું એમનું નવતર પુસ્તક જે તેમનું 111મુ પુસ્તક છે તે પણ પ્રેરણાત્મક સાહિત્યના ક્ષેત્રે ડંકો વગાડશે એ નિશ્ચિત છે.
જીવના જોખમે અમેરિકા પહોંચ્યા પછી, અબજો ડોલરના આસામી બનેલા નિડર, સાહસવીર, તેમજ દ્રષ્ટાંતરૂપ ગણાય એવા પરાક્રમી પટેલ શ્રેષ્ઠીઓના અત્યંત પ્રેરણાદાયી જીવનની “રીયલ લાઈફ” કહાણીઓથી ભરપૂર આ પુસ્તક સમાજના દરેક ક્ષેત્રના લોકો અને ખાસ કરીને યુવાનોને નવાં નવાં સાહસો કરીને, સંઘર્ષ કરીને સફળતાની ટોચે લઈ જવામાં નિમિત બનશે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.
ડૉ. જિતેન્દ્ર અઢિયાને “પરાક્રમી પાટીદારો” પુસ્તક લખવાની પ્રેરણા કઈ રીતે થઈ એ વાત પણ રસપ્રદ છે. ડૉ. અઢિયા પાટીદાર સમાજની જગ-વિખ્યાત સંસ્થા ‘વિશ્વ ઉમિયાધામ’ સાથે સક્રિયપણે સંકળાયેલા છે; ગત મે 2022માં ડૉ. અઢિયાએ અમેરિકાના પ્રવાસે જવાનું આયોજન કરતાં સંસ્થાના અગ્રણીઓએ તેમને ‘વિશ્વ ઉમિયાધામ’ના પ્રચાર, પ્રસારની જવાબદારી સોંપી હતી. અમેરિકાના ત્રણ મહિનાના રોકાણમાં, આ સેવા-કાર્ય માટે વિવિધ શહેરોના પ્રવાસ દરમિયાન, ડૉ. અઢિયા અમેરિકામાં સ્થાયી થયેલા સંખ્યાબંધ પાટીદાર શ્રેષ્ઠીઓને મળ્યા અને તેઓના જીવન, પડકારો તેમજ સંઘર્ષની વાતો જાણીને અભિભૂત થઈ ગયા; ત્યાં જ તેમણે ગાંઠ વાળી લીધી કે, સ્વદેશ પરત જઈને પહેલું કાર્ય પરાક્રમી પાટીદારો વિષે પ્રેરણાત્મક પુસ્તક લખવાનું કરીશ! ગત ઓગષ્ટમાં ડૉ. અઢિયા અમેરિકાથી પાછા આવ્યા અને સંકલ્પ પૂર્ણ કરવામાં વ્યસ્ત થઇ ગયા. માત્ર ત્રણ માસમાં “પરાક્રમી પાટીદારો” પુસ્તક પ્રગટ કરી સમાજને ભેટ ધરી દીધું!
ભણતર ન હોય, અનુભવ ન હોય, નાણા ન હોય અને અંગ્રેજી ભાષા પણ આવડતી ન હોય તેમ છતાં, ગમે તેવી ભયાનક, દર્દનાક સ્થિતિ વેઠીને પણ પોતાના પરિવારને દારિદ્રય અને ભયાનક પડકારોની સ્થિતિમાંથી ઉગારી લેવા માટે વિદેશની વાટ પકડનારા પાટીદારોની કથાઓ ડૉ. અઢિયાએ એમના જ શબ્દોમાં આ પુસ્તકમાં રસપ્રદ રીતે આલેખી છે. “ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; અણદિઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ” પંક્તિને પાટીદાર સમાજના ભડવીરોએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે એ હકીકત પુસ્તક વાંચનાર સહુકોઈ અનુભવી શકશે.