આજે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીની શરૂઆત અંદાજપત્ર ઉપર સામાન્ય ચર્ચા થી કરવામાં આવી હતી.
જેમાં કોંગ્રેસે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલા બજેટ અન્વયે પોતાના વિચારો વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા હતા. સાથે સાથે સરકાર પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ તબક્કે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વિધાનસભા ગૃહમાં રાજકીય નિવેદન આપ્યું હતું કે આજે મોંઘવારી બેફામ વધી રહી છે. જેના કારણે ગુજરાતની કરોડરજ્જુ સમાન નાના અને મધ્યમ ઉદ્યોગોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આ સરકારે બજેટમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર વિશેષ યોજના લાવીને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ તેવી અપીલ કરી હતી. તો બીજી તરફ તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના શાસનમાં સાપર અને વેરાવળ જેવા વિસ્તારોમાં ટેક્સ બેનિફિટ આપીને ઉદ્યોગોનો વિકાસ કર્યો હતો.
ભાજપ સરકારે આજની સ્થિતિ જોતા તે દિશામાં કાર્યવાહી કરવી જોઇએ તેવી અપીલ કરી હતી.આ વેળાએ અદાણી ગ્રૂપ ઉપર આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 30 વર્ષમાં સ્કૂટર ઉપર ફરતા અદાણી આજે મોટો ઉદ્યોગપતિ બની શકે છે તો પછી નાના ઉદ્યોગકારોનો શું વાંક છે ? એટલું જ નહીં રિલાયન્સ 10 ટકાનો ભાવ વધારો કરીને નાના ઉદ્યોગકારોને લૂંટી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જ્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની લૂંટી રહી હોવાનો સીધો આક્ષેપ લલિત કગથરા એ કર્યો હતો . આ તબક્કે તેમણે રાજકીય ટિપ્પણી કરતા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન નહીં મળવાના કારણે આજે શહેરી કરણ તરફ આંધળી દોટ વધી છે.
મોંઘવારીના મુદે પણ કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ ગુજરાતની કરોડરજ્જુ સમાન નાના અને મધ્યમ ઉદ્યોગો ભાંગી પડયા હોવાનો આક્ષેપ કર્યો : 30 વર્ષમાં પહેલા સ્કૂટર પર ફરતા અદાણી આજે મોટા ઉદ્યોગપતિ બની ગયા : ભાજપને મોટા ઉદ્યોગોની જ ચિંતા
અંતમાં કોંગ્રેસના ધારાસભ્ય કગથરા કહ્યું હતું કે સરકારે ઉદ્યોગોની સમીટ કરવાને બદલે નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી વિકાસ કરે તેવી અપીલ કરી હતી.