મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સે રવિવારે મહિલા ટીમની નવી ટેસ્ટ કિટના અનાવરણ પ્રસંગે ભાવુક સંદેશ લખ્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ 16 જૂનથી રમાશે. મિતાલી રાજની આગેવાની હેઠળની ટીમ આ મેચમાં નવી ટેસ્ટ કિટ પહેરશે, જેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેમિમાએ કહ્યું કે, આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય કોચ રમેશ પોવારે ટીમને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇતિહાસ ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, દિગ્ગજ ક્રિકેટર ઝુલન ગોસ્વામી અને મિતાલી રાજે પણ તેમના અનુભવો શેર કર્યા હતા. જેમિમાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે રમેશ સરે અમને ટીમ મીટિંગ માટે બોલાવ્યા હતા અને અમને ભારતીય મહિલા ક્રિકેટનો ઇતિહાસ જણાવ્યો હતો.” તે ક્યાંથી શરૂ થયું અને આજે તે ક્યાં પહોંચ્યો છે… શરૂઆત લઈને અત્યાર સુધી જે ખેલાડીઓના કારણે ટિમ છે, અને અમે તે ટીમનો હિસ્સો છીએ, ખેલાડીઓના પડકારો આમારી સામે બતાવવામાં આવ્યા. ત્યારબાદ ભારતીય મહિલા ક્રિકેટના બે લેજન્ડ મિથુ દી અને ઝુલુ દી આવ્યા અને આખી ટીમ સાથે પોતાનો અનુભવ શેર કર્યો કે તેમના માટે ક્રિકેટનો અર્થ શું છે. તે આ વારસાનો ભાગ બનવા જેવું છે. મિટિંગ આ સુંદર કોટ સાથે પુરી થઇ – અમારી સૌથી મોટી જવાબદારી એ છે કે અમારી પહેલા આવેલા ખેલાડીઓ અને જે પાછળથી આવશે તેનું સન્માન કરવું , ‘જર્સીને એક નવા મુકામ પર લઇ જવાની છે. ‘
જેમિમાએ કહ્યું કે, “અમે આ શ્રેણી અને ત્યાર બાદની શ્રેણી (ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે) મોટા હેતુ માટે રમીશું, અમે દરેક છોકરી માટે રમી રહ્યા છીએ જે રમત રમવા માંગે છે.” આવી ઉત્સાહ ભરેલી વાતથી દરેકને જુસ્સો આવી જાય તેમ છે. આમ જેમિમાએ ભાવુક થઈને કીધેલી વાતથી દેશની દરેક દીકરીને ગર્વનો અનુભવ થાય છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌરે ટેસ્ટ જર્સી પહેરેલી તેની તસવીર પણ શેર કરી હતી. ટેસ્ટ બાદ બંને ટીમો 27 જૂનથી શરુ થઈ રહેલી ત્રણ વન ડેની શ્રેણી રમશે, જે બ્રિસ્ટલ, ટોન્ટન અને વોર્સેસ્ટરમાં રમાવાની છે. આ પછી 9 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી-20 મેચની શ્રેણી રમાશે. આ ત્રણેય મેચો નોર્થમ્પટન, હોવ અને ચેમ્સફોર્ડ ખાતે રમાશે. ભારતની મહિલા ક્રિકેટરો હાલ ક્વોરેન્ટાઇનમાં છે.