કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં મંગળવારે તેમના પટિયાલા નિવાસસ્થાનની છત પર કાળો ધ્વજ લગાવ્યો હતો. સિદ્ધુની પુત્રી રાબિયાએ તેમના અમૃતસર નિવાસસ્થાને કાળો ધ્વજ મૂક્યો હતો. પટિયાલા નિવાસસ્થાને કાળો ધ્વજ લગાવતી વખતે સિદ્ધુ દંપતીએ જો બોલે સો નિહાલ સત શ્રી અકાલનો નારો પણ લગાવ્યો હતો અને ખેડૂતોના આંદોલનને ટેકો આપવાની વાતનું પુનરાવર્તન કર્યું હતું. સિદ્ધુએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. સિદ્ધુએ ગઈકાલે જાહેરાત કરી હતી કે તેઓ તેમના નિવાસસ્થાને ખેડૂતોના સમર્થનમાં કાળો ધ્વજ લગાવશે. જણાવી દઈએ કે, દિલ્હી સરહદ પર ખેડૂતોના આંદોલનને છ મહિના વીતી ગયા છે. ખેડૂત સંગઠનોએ તેમના સમર્થનમાં લોકોને ઘરોની છત પર કાળા ધ્વજ મૂકવાનું આહ્વાન કર્યું હતું.
નવજોત સિંહ સિદ્ધુએ છત પર ધ્વજ ફરકાવતી વખતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 20-25 વર્ષથી ખેડૂત સમુદાય પરનું દેવું સતત વધી રહ્યું છે અને આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ ખેડૂતોના પાકની ઉપજ પણ ઘટી રહી છે, દરેક નાના મોટા ખેડૂતને સન્માનની રોટલી ખાવા માટે સંઘર્ષ કરવાની ફરજ પડી છે.
સિદ્ધુએ કહ્યું કે, પંજાબ આજે કેન્દ્ર સરકારના ત્રણ કાળા કાયદાઓ સામે લડી રહ્યું છે. પંજાબના ખેડૂતોની કમર તોડવા અને ખેતીને નાબૂદ કરવા અને તેમની સ્થિતિને બગાડવા અને નાના વેપારીઓ, મજૂરોની રોટલી છીનવી લેવા માટે આ કાયદા ઘડવામાં આવ્યા છે. જો કૃષિ કાયદો રદ નહીં થાય અને પાક, ફળ, કઠોળની એમએસપી વધારવામાં નહીં આવે, ખેડૂતોને તેલ બીજ અને આવશ્યક ચીજવસ્તુઓ, પાકની ખરીદી નહી થાય, ખેડૂતોના હાથમાં સ્ટોરેજ નહિ અપાય,ખેતી પર વધતું દેવું દૂર નહિ થાય તો, પંજાબ કોઈ પણ સંજોગોમાં આર્થિક રીતે વધી શકશે નહીં. વીડિયોમાં સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબમાં પ્રગતિનો દરેક માર્ગ ખેતીમાંથી પસાર થાય છે. મારા ઘરે આ કાળો ધ્વજ કૃષિ કાયદાઓ સહિત ખેડૂત વિરોધી પ્રણાલીને નકારી કાઢવાનો છે. જ્યાં સુધી આ સિસ્ટમ બદલાશે નહીં ત્યાં સુધી ધ્વજ નીચે નહીં આવે.
ઉલ્લેખનીય છે કે ખેડૂત સંગઠનોએ ખેડૂતો, મજૂરો, યુવાનો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સાહિત્યકારો,રંગકામદારો, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ અને દુકાનદારોને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા અપીલ કરી હતી. સંયુક્ત મોરચાના નેતા પ્રો. જગમોહનસિંહે અપીલ કરી હતી કે સ્થાયી ઘર પર ખેડૂતોએ કાળી પાઘડી પહેરીને અને કાળી ઓઢણી ઓઢીને સમર્થનમાં સામેલ થાય. આ ઉપરાંત મકાનો, દુકાનો, ઓફિસો, ટ્રેક્ટરો, કાર, જીપ, સ્કૂટર, મોટરસાયકલ, બસ, ટ્રક પર કાળા ઝંડા લગાવીને ત્રણેય કૃષિ કાયદાઓનો સખત વિરોધ કરવો જોઈએ.
સિદ્ધુએ ગયા દિવસે કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચે ત્યાં સુધી તેઓ ખેડૂતોના આંદોલનને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુએ પણ અમૃતસર સ્થિત તેમની કોઠીની છત પર ધ્વજ મૂક્યો હતો. રાબિયા પણ પિતાની જેમ મીડિયાથી અંતર રાખતી નજરે પડી હતી અને આ અંગે કોઈની સાથે વાત કરતી નહોતી.