કૌભાંડથી સાવધાન : વાંકાનેર વિસ્તારમાં પોન્ઝી સ્કીમમાં અનેક લોકોના નાણાં ફસાયાં
એક કા ડબલની લાલચમાં ફસાવતા ભેજાબાજો નાણાં લઈ રફુચક્કર થયાની ચર્ચા
ફોરેન એક્સચેન્જ તથા ક્રિપ્ટો કરન્સીમાં નાણાકીય રોકાણની લાલચમાં અનેક લોકો ફસાયા, વાંકાનેરમાં પણ BZ જેવું કરોડોની રકમનું કૌભાંડ આચરવામાં આવ્યાની ચર્ચા.
તાજેતરમાં ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા (BZ)ની પોન્ઝી સ્કીમમાં રોકાણ બાદ છ હજાર કરોડના કૌભાંડ મામલે સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, જેમાં કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ એક કા ડબલની લાલચ આપીને અસંખ્ય લોકોને ચૂનો લાગાડ્યો છે, જેમાં અત્યારે તે વિદેશ ભાગો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે અત્યારે પોલીસે અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે. BZ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા હોવાની વિગતો સામે આવી છે. જે વચ્ચે છેલ્લા થોડા સમયથી વાંકાનેર વિસ્તારમાં પણ આવી પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના કરોડોની રકમ ફસાઇ હોવાની ચર્ચા ચોમેરથી જાગી છે, જે બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આજનાં આધુનિક સમયમાં લોકોને ઓછાં સમયમાં વધુ નાણાકીય લાભ આપવાની લાલચ આપી ભેજાબાજો દ્વારા અસંખ્ય પોન્ઝી સ્કીમ ચલાવી એનકેન પ્રકારે લોકોને લુંટવામાં આવતા હોય છે, જેમાં વાંકાનેર વિસ્તારમાં પણ આવા ભેજાબાજો દ્વારા ” એક કા ડબલ “ની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોને લાખોની રકમના રોકાણ કરાવી ફરાર થઇ ગયા હોવાની વિગતો સામે આવી છે, જેમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો આ પોન્ઝી સ્કીમમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે.
બાબતે ચક્રવાત ન્યુઝના ગ્રાઉન્ડ રિપોર્ટ સંશોધન દરમ્યાન આ પોન્ઝી સ્કીમમાં ફસાયેલ લોકો પાસેથી માહિતી મેળવતા કરોડોની રકમના આંકડા સામે આવ્યા છે, જેમાં ભેજાબાજો દ્વારા છેલ્લા બે વર્ષથી અનેક લોકોને આ કૌભાંડમાં સામેલ કરી ફોરેન એક્સચેન્જ તથા ક્રિપ્ટો કરન્સીમાં નાણાંનું રોકાણ કરવાની લાલચ આપી પોતાના એજન્ટ મારફતે નાણાં મેળવી બાદમાં રોકાણકારોને એકથી બે વર્ષમાં તમારા નાણાં ડબલ કરી આપવા તેમજ દર મહિને રોકાણની રકમનું 6% વળતર ચૂકવવા લાલચ આપવામાં આવી હોય, જે બાદ છેલ્લા છ મહિનાથી કરોડોની રકમ મેળવી ભેજાબાજો વિદેશી ફરાર થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે.
ભેજાબાજો દ્વારા આચરવામાં આવેલ કરોડોની રોકડ રકમનાં વહીવટમાં વાંકાનેર તાલુકાના વાંકીયા, પાંચદ્વારકા, ચંદ્રપુર, પંચાસીયા, સિંધાવદર, તિથવા, જેતપરડા, દિઘલીયા, કણકોટ, વાંકાનેર સહિત અનેક ગામોના લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે અને આ કૌભાંડમાં ભેજાબાજો દ્વારા કરોડોની રોકડ રકમ મેળવી રફુચક્કર થયા હોવાની વિગતો બહાર આવી છે.
જે મામલે આ કૌભાંડમાં ફસાયેલા એક પણ વ્યક્તિ હજુ સુધી ફરિયાદ કરવા તૈયાર ન હોય અને ખુલીને સામે ન આવતા પણ અનેક તર્કવિતર્કો સર્જાયા છે, જેના કારણમાં ફસાયેલા લોકો દ્વારા આ કૌભાંડમાં જે તે વિસ્તારના એજન્ટો મારફતે માત્ર રોકડ રકમનો વહીવટ કરવામાં આવેલ હોય અને લાલચમાં ફસાયેલા એજન્ટો પણ પોતાના નજીકના હોવાથી લોકો સામે આવીને ફરિયાદ કરવા તૈયાર ન હોવાનો ખુલાસો ચક્રવાત ન્યુઝ સમક્ષ થયો છે, જેથી આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તો અનેક કૌભાંડીઓનો પર્દાફાશ થવાની પુરી શકયતા છે.
એક કા ડબલની લાલચમાં ન ફસાવવા લોકોને અપીલ
પોન્ઝી સ્કીમ ચલાવતા ભેજાબાજો દ્વારા લોકોને નિયમો બહાર ઓછા સમયમાં વધુ નફો આપવાની લાલચ આપવામાં આવે છે, ત્યારે આજના આધુનિક સમયમાં પણ લોકોમાં જાગૃતતા ના અભાવે લાખો-કરોડોની રોકડ રકમ આવા ભેજાબાજો લઈને રફુચક્કર થઇ જાય છે, ત્યારે આવી ખોટી લાલચમાં ન ફસાય લોકોને જાગૃતતા દાખવવા ચક્રવાત ન્યુઝ દ્વારા અપીલ કરવામાં આવે છે.