વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારોના ફોર્મ ભરાયાં
ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી વચ્ચે કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારી કરાઈ
વાંકાનેર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની આવતીકાલે વરણી કરવાની હોય ત્યારે આજે ઉમેદવારી નોંધાવવાના દિવસે ભાજપ તથા કોંગ્રેસ બંને દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે સિંધાવદર સીટના સદસ્ય કુલસુમબેન ગનીભાઈ પરાસરા અને ઉપપ્રમુખ પદ માટે તિથવા સીટના સદસ્ય રહીમભાઈ ખોરજીયાએ ફોર્મ ભર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકાના પંચાયતની કુલ 24 સીટ પૈકી ચંદ્રપુર સીટના સભ્યના રાજીનામાં બાદ 23 સભ્યોમાંથી હાલ ભાજપ પાસે 13 સભ્યો તથા એક કોઠી સીટના સભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા કુલ 14 સદસ્યો હોય, જ્યારે સામે કોંગ્રેસ પાસે 9 સદસ્યો છે. એટલે કે હાલ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોય પરંતુ ભાજપમાં આંતરિક જૂથવાદની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે ભાજપના મોવડી મંડળની મધ્યસ્થતાથી આજે ભાજપ દ્વારા મેન્ડેટ મુજબ ફોર્મ ભરાયાં હતાં. માટે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહે છે.