વાંકાનેરના વિઠ્ઠલપર ગામના તળાવ નજીકથી કોહવાયેલી હાલતમાં વૃદ્ધની લાશ મળી, તપાસનો ધમધમાટ શરૂ
ગત તા. 30 થી લાપતા થયેલા લાકડધાર ગામના વૃદ્ધનની લાશ વિઠ્ઠલપર ગામની સીમમાં આવેલ ખાલી તળાવમાંથી મળી.
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે રહેતા એક વૃદ્ધ પાંચ દિવસ અગાઉ ઘરેથી બાઇક લઇને નિકળ્યા બાદ લાપતા થયેલ હોય, જેમાં આ વૃદ્ધનો મૃતદેહ વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી કોહવાયેલી હાલતમાં મળી આવતા બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે રહેતાં હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા (ઉ.વ. 58) નામના વૃદ્ધ ગત તા.30ના રોજ ઘરેથી તેમનું બાઇક લઇને આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવતાં પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, જેમાં સોમવાર વિઠ્ઠલપર ગામના તળાવ નજીકથી તેમનું બાઇક તથા મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં અહીંથી થોડે દુર ખાલી તળાવમાંથી હીરાભાઇનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.
બાબતે મૃતકના પરિવારજનોને તેમને હાથમાં પહેરવાના કડા, કપડાં, બાઇક તથા મોબાઇલ પરથી મૃતક હિરાભાઈની ઓળખ આપતાં, વાંકાનેર તાલુકા પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.