વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક હડફેટે બાઇક સવાર વૃદ્ધનું મોત
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક બાઇક સવાર પિતા-પુત્રને અકસ્માત નડ્યો હતો, જેમાં પાછળથી આવતા ટ્રકે બાઇકને ઠોકર મારતા બાઇકમાં પાછળ બેઠેલ ૭૦ વર્ષીય વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોચતા, પુત્રની નજર સમક્ષ પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદને આધારે સીટી પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર રહેતા ખેડૂત કાનજીભાઇ શામજીભાઇ ધરજીયા ઉવ.૪૨ અને તેમના પિતાજી શામજીભાઈ ઉવ.૭૦ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એચએન-૩૭૪૫ લઈને જતા હોય ત્યારે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી ટ્રક રજી. નં. જીજે-૧૨-એઝેડ-૧૩૩૧ ના ચાલકે પોતાનો ટ્રક ફુલસ્પીડમાં અને બેદરકારીપૂર્ણ ચલાવી મોટરસાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, ત્યારે મોટરસાયકલમાં પાછળ બેઠેલા શામજીભાઈને કમર તથા વાસાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતુ, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ મામલે કાનજીભાઈની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.