વાંકાનેરના જાલીડા ગામ નજીક કાર ચાલક પર હુમલો કરી ચાર શખ્સોએ વગર કારણે હાથ-પગ ભાંગી નાખ્યા
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીકથી પસાર થતા એક કાર ચાલકની કારને રસ્તામાં રોકાવી એક કાળા કલરની થાર ગાડીમાં આવેલ ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે કાર ચાલક પર હુમલો કરી, કારમાં નુકસાની કરી, બેફામ માર મારી હાથ-પગ ભાંગી ફરાર થઈ ગયા હતા. જેથી આ મામલે ફરિયાદીએ ચાર અજાણ્યા ઇસમો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામ ખાતે રહેતા ફરિયાદી વિશાલભાઈ ઉર્ફે મુનાભાઈ માણસુરભાઈ લોહ (ઉ.વ. ૩૮) પોતાની ક્રેટા કારમાં રાજકોટથી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે રાત્રીના સમયે જાલીડા ગામ નજીક રામદેવપીર મંદિર પાસે રસ્તામાં પાછળથી એક કાળા કલરની થાર કારએ તેમની ગાડીની સાઇડ કાપી આગળ જઇ રસ્તામાં આડી ગાડી ઉભી રાખી ફરિયાદીની કારને રોકાવી થારમાંથી ચાર અજાણ્યા શખ્સો લોખંડના પાઇપ સાથે ઉતરી ફરિયાદીની કારના કાચ તોડી ફરિયાદીને બહાર કાઢી કંઇ પણ બોલ્યા વગર ફરિયાદીને બેફામ માર મારી હાથ-પગ ભાંગી ફરાર થઈ ગયા હતા, જેથી આ રહસ્યમય મારામારીના બનાવમાં પોલીસે ચાર અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી બનાવમાં ઉંડી તપાસ શરૂ કરી છે.