વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ફરી દિપડા ત્રાટક્યા, માલધારીની નજર સામે સાત ઘેટા પર હુમલો
18 દિવસ બાદ ફરી એ જ માલધારીના વાડામાં બે દિપડા ત્રાટક્યા ; બે ઘેટાંના મોત, પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્ત…: માલધારીએ હિંમત દાખવી દિપડાઓનો સામનો કરતાં વધુ જાનહાનિ ટળી
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ૧૮ દિવસ પહેલા ત્રણ દિપડા ત્રાટક્યા હતા અને 20 થી વધુ ઘેટાના મારણ કરી મિજબાની માણી હતી, જે બાદ આજરોજ ફરી આ જ માલધારીના વાડામાં બે દિપડા ત્રાટકતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. આજરોજ દસ વાગ્યાની આસપાસ માલધારીના વાડામાં છ ફુટ ઉંચી ફેન્સીંગ ટપી બે દીપડા ત્રાટકી માલધારીની નજર સામે સાત ઘેટા પર હુમલો કર્યો હતો જેમાંથી બે ઘેંટાના મોત થયા છે, જ્યારે પાંચ ઘેટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે.
મળતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં ગત તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ બે વાગ્યાની આસપાસ એક સાથે ત્રણ દીપડાઓ ત્રાટકી 20 થી વધુ ઘેટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. જે બાદ આજરોજ રાત્રીના દસ વાગ્યાની આસપાસ આ જ માલધારીના વાડામાં પુનઃ બે દિપડા છ ફુટ ઉંચી ફેન્સીંગ ટપી ત્રાટક્યા હતા અને માલધારીની નજર સામે સાત ઘેટાં પર હુમલો કરી બે નું મારણ કરી મિજબાની માણી હતી અને અન્ય પાંચ ઘેટાને ગંભીર રીતે ફાડી ખાધેલ હાલતમાં મળી આવ્યા છે.
આ બનાવમાં બે દિપડાઓ એકસાથે માલધારીના વાડામાં ત્રાટકતા માલધારીએ હિંમત દાખવી બંને દિપડાનો સામનો કરતા વધુ ઘેટાઓનો બચાવ થયો હતો. હાલ આ બનાવની જાણ તાત્કાલિક વન વિભાગને કરતા ટીમ સ્થળ પર જવા રવાના થઈ હોવાની વિગતો મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર દિપડાઓ દેખા દેતા આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી બાબતે તાત્કાલિક વન વિભાગ દ્વારા દિપડાઓને પકડવા પાંજરા ગોઠવી કોઇ માનવ જાનહાનિ કે માનવ પર દિપડાઓ હુમલો કરે તે પુર્વે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.