વાંકાનેર : પોલીસને દારૂની બાતમી કેમ આપી ? કહી વેપારી પર હુમલો, ટાંટીયા ભાંગી નાખ્યા !
વાકાનેર: વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા એક વેપારી પોતાના બાઇક પર જઇ રહ્યા હોય, ત્યારે તેને રસ્તામાં રોકી એક શખ્સએ પોલીસને દારૂની બાતમી આપતા હોવની શંકા રાખી હુમલો કરી બેફામ માર મારી નાક તથા પગના ભાગે ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં પોલીસે વેપારીની ફરિયાદ પરથી એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાનપરા ખાતે ગોપાલ ટી ડેપો નામે ચાની ભૂક્કીનો વેપાર કરતા વેપારી નીતિનભાઈ રમણીકલાલ ખીરૈયા(ઉ.વ. ૫૧)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી હિતેશસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. આરોગ્યનગર, હાલ રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૭ ના રોજ ફરિયાદી પોતાનું બાઇક લઇને પસાર થઈ રહ્યા હોય ત્યારે ગોકુલનગર પાસે આરોપીએ તેમના બાઇકને રોકી ‘ તે પોલીસને વિદેશી દારૂની બાતમી કેમ આપી ? ‘ કહી લોખંડના પાઇપ જેવા પાના વડે હુમલો કરી બેફામ માર મારી વેપારીને નાક તથા પગના ભાગે ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી ઈજાગ્રસ્ત નીતિનભાઈને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ હાલ તેમણે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.