વાંકાનેર: પાજ ગામના અંતરીયાળ વાડી વિસ્તારમાં ચાલું વરસાદે મહિલાની પ્રસુતિ કરાવતી 108ની ટીમ
વાંકાનેર તાલુકાના પાજ ગામનાં અંતરીયાળ વાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને ગતરાત્રીના અચાનક પ્રસુતિ પિડા ઉપડતા તાત્કાલિક વાંકાનેર 108 ની ટીમ સ્થળ પર જવા રવાના થઇ હતી, પરંતુ વરસાદના કારણે સ્થળ પર ગાડી પહોંચાડવી મુશ્કેલ હોય, જેથી 108 ની ટીમ દ્વારા ચાલું વરસાદે પગપાળા અંતરિયાળ વાડી વિસ્તારમાં પહોંચી મહિલાની સ્થળ પર જ સુરક્ષિત પ્રસુતિ કરાવી માનવતા મહેકાવી હતી.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાજ ગામના અંતરીયાળ વાડી વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલા બિંદાબેન સોહનભાઈ બાવળિયાને ગત મધ્યરાત્રીના અચાનક પ્રસુતિ પિડા ઉપડતા વાડી માલિક દ્વારા 108 નો સંપર્ક કરતા ઇએમટી અંજલીબેન સાધુ અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા તાત્કાલિક સ્થળ પર જવા રવાના થયા હતા, પરંતુ વરસાદ ચાલુ હોય અને દર્દી સુધી એમ્બ્યુલન્સનો રસ્તો જોખમી કાદવ કીચડ વાળો હોવાથી, 108 ની ટીમ તાત્કાલિક પગપાળા સ્થળ પર દર્દી પાસે મેડિકલ કીટ અને સાધન-સામગ્રી સાથે પહોંચી ટીમ દ્વારા ERCP ડોક્ટરની સૂચનાઓ મુજબ સ્થળ પર જ મહિલાની સુરક્ષિત નોર્મલ ડિલિવરી કરાવતા બાળકનો જન્મ થયો હતો. જે બાદ 108 ટીમ દ્વારા માતા અને બાળકને જોખમમાંથી ઉગારી વાંકાનેર સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચાડી સુંદર કામગીરી કરી હતી.