વાંકાનેર નગરપાલિકા કક્ષાના સેવા સેતુના 990 લોકોએ 40 જેટલી જન હિતકારી સેવાઓનો લાભ લીધો
અરજદારોએ આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની સેવાઓ માટેની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો
મોરબી જિલ્લામાં ગત ૧૫ ઓક્ટોબરના રોજ વાંકાનેરમાં રામકૃષ્ણ નગર પ્રાથમિક શાળા ખાતે વાંકાનેર નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જ્યાં વાંકાનેર શહેરી વિસ્તારના ૯૯૦ લોકોએ સેવા સેતુનો લાભ લીધો હતો.
સેવા સેતુ થકી વહીવટી તંત્રની જરૂરી સેવાઓ લોકોના ઘર સુધી પહોંચે અને વધુને વધુ સેવાઓનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લે તે ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ૪૦ જેટલી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
વહીવટી તંત્રના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વહીવટી તંત્રના વિવિધ વિભાગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં અરજદારો દ્વારા રાશન કાર્ડ ઈકેવાયસીની સેવા માટે ૨૬૭, કેશલેસ લિટરેસી માટે ૧૫૮, હેલ્થ વેલનેસ કાર્ડની સેવા માટે ૧૦૩, આધારકાર્ડમાં સુધારા માટેની સેવા ૮૨, રાશનકાર્ડમાં નામ કમી કરવા માટે ૪૩, આવક ના દાખલા માટે ૩૯, રાશન કાર્ડમાં સુધારા માટે ૩૮, રાશનકાર્ડમાં નામ દાખલ કરવા માટે ૩૨, પીએમજે માં અરજી માટે ૩૨, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના માટે ૧૮, વ્યવસાય વેરા માટે ૧૭, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે ૧૫, નવું બેન્ક એકાઉન્ટ ખોલવા માટે ૧૪, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના માટે ૧૩, દિવ્યાંગ બસ સ્ટેશન પાસ માટે ૧૦, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના માટે ૧૦, આધાર કાર્ડના બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ માટે ૧૦, મોબાઈલ નંબર સાથે બેન્ક એકાઉન્ટના જોડાણ માટે ૧૦, જન ધન યોજના અન્વયે બેન્ક એકાઉન્ટ ખોલવા માટે ૧૦, વિધવા સહાય માટે ૯, જન્મ મરણ પ્રમાણપત્ર માટે ૭, કુવરબાઈનુ મામેરુ સહાય યોજના માટે ૬ એમ કુલ ૯૯૦ લોકોએ સેવા સેતુ હેઠળ વિવિધ ૪૦ જેટલી સેવાઓનો લાભ લીધો હતો.
વહીવટી તંત્ર દ્વારા ઝડપી સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ ૯૯૦ અરજીઓનો ત્વરિત હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.