વાંકાનેરના નકલી વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે વઘાસીયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરતાં જીલ્લા વિકાસ અધિકારી
ડિસેમ્બર 2023માં વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદેસર રસ્તો બનાવી અને ખાનગી ટોલ ઉઘરાવી વાહનો પસાર કરવાના બનાવનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતા સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો હતો, જે બાદ આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઝડપાયેલ તમામ આરોપીઓ હાલ આ બનાવમાં જામીન મુક્ત હોય, ત્યારે આ મામલે વઘીસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાનું નામ પણ આરોપી તરીકે હોય, જેથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે સરપંચને હોદ્દા પરથી દુર કરવા હુકમ કર્યો છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ગામની સીમમાં આવેલ વઘાસિયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદેસર રસ્તો બનાવી અને ખાનગી ટોલ ઉઘરાવી વાહનો પસાર કરતા હોય, જેથી આ મામલે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાતાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી દ્વારા અહેવાલ તૈયાર કરી જીલ્લા વિકાસ અધિકારીને મોકલી આપેલ હોય,
જે બાદ બનાવમાં કેસ નં. ૧૮/૨૦૨૪/૫૯(૧) મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ સમક્ષ ચાલી જતાં ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯(૧) હેઠળ વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી વઘાસીયા ગ્રામ પંચાયતની મુદ્ત પૂરી થાય ત્યાં સુધી અથવા તેમની સામે નોંધાયેલ ફરિયાદમાં તેઓ દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી સરપંચના હોદ્દા પરથી મોકૂફ કરવા હુકમ કર્યો છે.