ગત વર્ષે કારખાનાના પ્રદુષણના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તો, આ વર્ષે ફરી પ્રદુષણે માઝા મૂકતાં ગ્રામજનો કારખાને પહોંચી ઉગ્ર વિરોધ સાથે ફેક્ટરી બંધ કરાવી
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ સરદાર એગ્રો ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ પ્રા. લી. નામના કારખાનામાંથી નિકળતા પ્રદુષણ યુક્ત ધુમાડા તથા કેમિકલયુક્ત દુર્ગંધના કારણે ભલગામ ગામના નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય ત્યારે આજે કંટાળી આખરે ગ્રામજનો ફેક્ટરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી કારખાનાનું બંધ કરાવ્યું હતું.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં આવેલ સરદાર એગ્રો ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ પ્રા. લી. નામના કારખાનામાંથી ફેલાતા પ્રદૂષણના કારણે આજુબાજુના વિસ્તારમાં લોકોની આંખો બળવી, ચક્કર આવવાં તથા બેભાન થઈ જવા સહિતની સમસ્યા તથા ખુલ્લા પાણીમાં કેમિકલના પડ જામવા તથા ખેતપાક નિષ્ફળ જવાથી જેવી આડ અસરો જોવા મળી રહી છે, જેનાથી કંટાળી આજરોજ ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા કારખાને પહોંચી ઉગ્ર વિરોધ સાથે ફેક્ટરી બંધ કરવી હતી. જેમાં હાલ કારખાનેદાર બહાર હોય અને પોતે આવ્યા બાદ ગ્રામજનો સાથે બેઠક યોજી ચર્ચા કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કારખાનામાં ફેલાતા પ્રદુષણના કારણે ગત વર્ષે આજુબાજુના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, જેમાં લાંબી લડત બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતા મામલો થાળે પડ્યો હતો, જે બાદ આ મામલે ફરીથી ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય તથા ગ્રામજનોના સ્વાસ્થ્ય પર કોઈ હાનિકારક અસર થાય તે પુર્વે કારખાનામાંથી ફેલાતા પ્રદૂષણ મામલે ગ્રામજનોએ ઉગ્ર લડત શરૂ કરી છે