વાંકાનેર વિસ્તારમાં ચોરોના ધામા, પોલીસની ધાક ઓસરી: ગોકુલનગરમાં મકાનને નિશાન બનાવી રૂ.1.80 લાખની ચોરી
પત્નીની ડિલવરી માટે રાજકોટ હોસ્પિટલે ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો, રોકડ રકમ સહિતની ચોરી
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિનપ્રતિદિન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે પોલીસની ધાક વિસરાઈ હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં થોડાં દિવસ પહેલા જ બ્રહ્મ સમાજ સોસાયટીમાં તસ્કરોએ આઠથી દસ મકાનોને નિશાન બનાવી લાખોના માલ-મત્તાની ચોરી કરી હોય, જે બનાવમાં પોલીસે કોઈ ગંભીરતા અને ફરિયાદ ન લેતાં, આ બનાવનાં થોડા દિવસ બાદ જ આ વિસ્તાર નજીક આવેલ ગોકુલનગરમાં ફરી તસ્કરો ત્રાટક્યા હતા અને એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત રૂ. 1.80 લાખની ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ગોકુલનગર સોસાયટી ખાતે રહેતા ફરિયાદી રવીભાઈ બળવંતરાય ચૌહાણ નામના વેપારી પોતાના પરિવાર સાથે પત્નીની ડિલવરી માટે રાજકોટ હોસ્પિટલે ગયા હોય, જેની પાછળ ગત તા. ૨૩ થી ૨૪ ની મધ્યરાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી, મકાનના મેઇન દરવાજાનું તાળુ તોડી, નકુચો કાપી મકાનમાં પ્રવેશી લોખંડની તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂ. 1,80,000 ની ચોરી કરી સર-સામાનને વેરવિખેર કરી ફરાર થઈ ગયા હતા. જેથી આ બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે, જેની સામે મોટાભાગનાં બનાવોમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવાની આનાકાની કરવામાં આવે છે. ચોર પકડવાની શક્યતા વધારે હોય તેવા જુજ બનાવોને બાદ કરી પોલીસ માત્ર તપાસ કરી, પિડિતને કાગળની લાંબી માથાકુટ સમજાવી ફરિયાદ ન કરવા સમજાવી અને મામલાને રફેદફે કરતી હોય છે, ત્યારે વાંકાનેર શહેરી વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાથી ક્રાઈમનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે, જેથી બાબતે તાત્કાલિક જીલ્લા પોલીસ વડા દ્વારા સ્થાપિત પોલીસની કામગીરીનું ધ્યાન દોરી, વાંકાનેર પોલીસને સક્રિય કરવા દખલગીરી કરે તે અનિવાર્ય બન્યું છે.