મોરબી વ્યાજખોરોના ખતરનાક ખૌફ !! લોકોનો ભભૂકતો આક્રોશ
પોલીસ-પોલિટિક્સના લોક દરબારમાં વ્યાજખોર અને પોલીસ પર અરજદારો વરસી પડ્યા
પી. આઈ.પંડ્યા અને સીટી એ ડિવિઝન અને સીટી બી ડિવિઝન પીઆઇ ની કામગીરી સામે પણ ગંભીર અક્ષોપોથી સન્નાટો !!
મોરબીમાં પાટીદારોના વ્યાજખોરો સામે ફાટી નીકળેલા રોષને શાંત કરવા મોરબી અને ટંકારાના ધારાસભ્યોએ એક પોલીસ લોક દરબારનું આયોજન કર્યું હતું.જેમા આજે લોકોએ વ્યાજખોરો તેમજ સ્થાનિક પોલીસ સામે પણ ભારોભાર રોષ ઠાલવ્યો હતો.જેના કારણે પોલીસ અને ધારાસભ્યો માટે જોવા જેવી સ્થિતિ થઈ હતી. એક સમયે સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જાય હતી.રજૂઆત કરવા આવેલા અરજદારોને આક્રોશ જોઈને બંને ધારાસભ્યો અને પોલીસ અધિકારીઓ પણ મુંઝાય ગયા હતા.અને ધારાસભ્યોને પણ એકવાર થઈ ગ્યું કે ખોટી જગ્યાએ ભરાઈ ગયા.
વ્યાજખોરો સામે લડાઈ માટે પાટીદાર યુવાનોએ એક સંગઠન બનાવ્યું છે. અને તે એકટીવ થયું છે તેમ જ પાટીદાર સલામત નથી તેવી રજુઆત સાથે 200 થી વધુ પટેલ યુવાનોએ હથિયારનો પરવાનો માંગ્યો હતો.આ મુદ્દે સ્થાનિક ધારાસભ્યથી લઈ સરકારનું બીપી વધી જતા કોઈ પણ આયોજન વગર ગઈ કાલે ધારાસભ્ય કાંતિભાઈએ લોકદરબારનું આયોજન જાહેર કર્યું હતું ! જેને બળતામાં ઘી હોમ્યું હતું.
રેન્જ આઈ. જી. અશોક કુમાર યાદવની હાજરીમા આજે એક લોક દરબારનું આયોજન કર્યું હતું. પરંતુ આ લોક દરબાર માત્ર રાજકીય આગેવાનોએ પોતાની રીતે જાહેર કરી દીધો હોઈ તેવું લાગતું હતું.કેમ કે પ્રથમ માત્ર ડી.વાય.એસ.પી ઝાલાએ જ અરજદારોને સાંભળ્યા હતા.જો કે અમુક અરજદારોએ આઈ. જી. ને જ રજુઆત કરવાની જીદ કરતા આઈ.જી.ને આવવું પડ્યું હતું.જેમાં વિનુ અઘારા નામના પાટીદારે અગ્રણીએ અને સ્થાનિકો એ ડીવીજનના પી.આઈ.હકુમતસિંહ સામે રાગદ્રેષના આક્ષેપ કરતા વાતાવરણ થોડીવાર માટે તંગ બની ગયું હતું.ત્યારે જ નિલેશ નામના એક પાટીદારે LCB સામે ખોટી જુગારની રેડ મુદે કેમ એફ. આઈ. આર. નથી નોંધાતી અને તેને કેમ છાવરવામાં આવે છે તેવો આક્ષેપ કરી વાતવરણને વધુ ગરમ કરી નાખ્યું હતું.
બંને પી. આઈ સામે આક્ષેપ બાદ જે તે અરજદારોએ ઉગ્ર રજુઆત કરી હતી.જેમાં વિજયનગરમાં રહેતા કુંવરજીભાઈ ગોધાવીયાની રજુઆત હૃદયદ્રાવક હતી કેમ કે તેનો દીકરો વ્યાજખોરોના ત્રાસના કારણે મોતને ભેટીયો હતો.તેમણે 60 લાખના એક કરોડથી પણ વધારે આપી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો શાંતિથી જીવવા નહોતા દેતા અને પુત્રના આપઘાત પછી ફરિયાદ કરી હોવા છતાં પણ પોલીસે એક પણ વ્યાજખોર સામે પગલાં ભર્યા નથી.તેવું જણાવ્યું હતું.તેમની વેદના ભલભલા પત્થર દિલના માણસને રડાવી દે તેવી હતી. પરંતુ પોલીસ તંત્રના અધિકારીઓ પથ્થરથી પણ વધુ સખત હૃદયના થઈ ગયા છે તેમને માનવીય સંવેદના સાથે કાંઈ લાગતું વળગતું ન હોય તેવી રાવ-ફરિયાદ અરજદારો કરતા હતા.
આ લોક દરબારનું આયોજન ફક્ત લોકોનો રોષ ઠંડો પાડવા માટે નો જ હતો કે આવનારા દિવસોમાં કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવશે? જો આવનારા સમયમાં જો ફરિયાદોનો નિકાલ નહીં કરવામાં આવે તો મોરબી શહેરમાં કંઈક નવાજૂનીના એંધાણ વર્તાઈ છે.