ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેતા અનુષ્કા શર્માએ ફંડ એકત્ર કરવાના પ્રોજેક્ટમાં 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, સાથે જ દેશની કોરોના મહામારી સામેની લડાઈને ટેકો આપવા માટે કુલ 7 કરોડ રૂપિયા એકત્ર કરશે. બંને ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ કેટો મારફતે પૈસા એકત્રિત કરી રહ્યા છે. એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલી અને બોલિવૂડ સુપરસ્ટાર અનુષ્કા શર્માએ ભારતમાં કોરોના રાહત માટે ૭ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. વિરાટ અને અનુષ્કા ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ કેટો પર તેના માટે #InThisTogether અભિયાન ચલાવી રહ્યા છે. આ માટે તેમણે બે કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ અભિયાન સાત દિવસ સુધી ચાલશે. આ આવકનો ઉપયોગ ઓક્સિજન, તબીબી માનવબળ, રસીકરણ માટે જાગૃતિ અને રોગચાળા દરમિયાન ટેલિ-મેડિસિન સુવિધા માટે કરવામાં આવશે.
કોહલીએ કહ્યું કે, આપણે આપણા દેશના ઇતિહાસમાં અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આપણા દેશને આપણા બધાને એક કરવાની અને શક્ય તેટલા લોકોને બચાવવાની જરૂર છે. અનુષ્કા અને હું ગયા વર્ષથી આવી માનવ પીડા જોઈને ચોંકી ગયા છીએ. કોહલીએ કહ્યું કે તેણે અને તેની પત્નીએ વાયરસ સામેની લડતમાં શક્ય તેટલા લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. કોહલીએ કહ્યું કે, અમે મહામારી દરમિયાન તમામ લોકોને શક્ય તેટલી મદદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ અને હવે ભારત પહેલા કરતાં વધુ આપણો ટેકો ઇચ્છે છે. તેમણે આ વાત એક નિવેદનમાં કહી હતી જે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. કોહલીએ ઉમેર્યું હતું કે, અમે આ ભંડોળ એકત્ર કરવાની શરૂઆત એ માન્યતા સાથે કરી રહ્યા છીએ કે અમે લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ હોઈશું. અમને વિશ્વાસ છે કે લોકો મુશ્કેલીમાં મુકાયેલા સાથી દેશવાસીઓને મદદ કરવા આગળ આવશે. અમે તેમાં સાથે છીએ અને આપણે સાથે મળીને તેની સામે લડીશું. અનુષ્કાએ કહ્યું કે લોકોને પીડામાં જોવું પીડાદાયક છે. દેશની આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. ઘણા લોકોને પીડામાંથી પસાર થતા જોઈને હું અને વિરાટ ખૂબ દુ:ખી છીએ. આ ને ધ્યાનમાં રાખીને, અમે આશા રાખીએ છીએ કે આ ભંડોળ આપણને વાયરસ સામે લડવામાં મદદ કરશે.