વિભૂતિ પટેલ(રાણીબા)એ પગારની માંગણી કરતા યુવકને માર મારી, ચપ્પલ મોઢામાં લેવડાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો
અત્યંત ધૃણાસ્પદ કિસ્સામાં યુવકને બેમાફ માર મારી, યુવક પાસે માફી મંગાવતો અને ખંડણી માંગતો હોય તેવા બે વિડીઓ બનાવ્યા
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બેકાબુ બની રહી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બનીને બિન્દાસ્ત રીતે કાયદો હાથમાં લઇ સમાજના લોકોમાં ભયનો માહોલ ફેલાય તે રીતે રીતસરનો રો જમાવવાનું કામ કરતા હોય છે, ત્યારે મોરબીમાં અગાઉ પણ ચર્ચાના ચકડોળે ચડેલ વિભૂતિ પટેલ(‘રાણીબા’)નું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પોતાની ઓફિસમાં ૧૬ દિવસ કામે રાખ્યા બાદ છુટા કરી દીધેલ યુવક દ્વારા પગારની માંગણી કરતા કહેવાતા ‘રાણીબા’એ પોતાના ભાઈ સહિતના છ શખ્સો સાથે મળી યુવકને ઢીકાપાટુ અને બેલ્ટ દ્વારા માર મારી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવકને મોઢામાં લેવડાવી માફી મંગાવી હતી. તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવતા યુવક દ્વારા વિભૂતિ પટેલ(રાણીબા) સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા ઉવ.૨૧ એ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી તથા અન્ય અજાણ્યા શખ્સ રહે. બધા મોરબી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી કે તા.૨ ઓક્ટો.ના રોજ નિલેશભાઈ રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો, જ્યાં તા.૧૮ ઓક્ટો. ના રોજ નિલેષભાઈને નોકરીએ આવવાની ના પાડવામાં આવતા ત્યારબાદ રેગ્યુલર ઓફિસના કર્મચારીનો મહિનાની દર પાંચ તારીખે પગાર થઇ જતો હોય છે પરંતુ નિલેશભાઈનો પગાર તેના ખાતામાં ન આવતા તા.૦૬ નવે. ના રોજ આરોપી વિભૂતિ પટેલને ફોન કરીને જણાવતા તેઓએ ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો ત્યારબાદ તેમના વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થતા તેઓએ કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તથા તેમના ભાઈ અને પાડોશી સાથે ત્યાં ઓફિસે જતા આરોપી ડી.ડી. રબારીએ સાથે આવેલ પાડોશીને ગાલ ઉપર ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહી આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈ જ્યાં નિલેષભાઈને આરોપીઓ વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મુઢમાર મારી નિલેશભાઈને આરોપી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી અપમાનિત કરી આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી નિલેશભાઈને જેમફવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ ત્યારબાદ નિલેષભાઈને આરોપીઓ દ્વારા બેફામ માર મારવામાં આવતા હાલ મોરબી સરકારી હોસ્પિ.માં દાખલ નિલેશભાઇએ મોરબી એ ડિવિઝન પોલીસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ વિગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.