આજથી વાતાવરણમાં આવશે પલટો: 27 તારીખે મોરબીમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની નીચે રહેતા લોકો શિયાળાનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં શનિવારે પણ ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
ત્યારે શનિવારે કરેલી હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક હવામાનની સંભાવના છે. જે બાદ 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લામાં વરસાદની વકી છે.
27 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.
જ્યારે 28 ડિસેમ્બરે 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. 28 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.