આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના શ્રીગણેશ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યભરમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. આ પરીક્ષામાં અંદાજે ૧૪.૨૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બૉર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી, આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિઓ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી મૂકવામાં આવ્યા છે. આ સીસીટીવી માટે સુપરવાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબી જિલ્લાની વાત કરીએ તો આજથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને આનુસંગિક તૈયારીઓ અને ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ધો.૧૦ એસ. એસ.સી. બોર્ડના કુલ ૧૩,૮૨૯ વિદ્યાર્થીઓ અને ધો.૧૨ એચ.એસ. સી.માં સામાન્ય પ્રવાહના ૪ કેન્દ્રોન ૨૭ બિલ્ડીંગમાં ૭૨૩૬ વિદ્યાર્થીઓ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૩ કેન્દ્રો ૮ બિલ્ડીંગમાં કુલ ૧૭૭૯ વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આવવા સુસજ્જ બન્યા છે. આ રીતે મોરબી જિલ્લાના ધો. ૧૦, ૧૨ બોર્ડના ૧૭ કેન્દ્રો પર ૮૬ બિલ્ડીંગમાં કુલ ૨૨,૮૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપ શે.આ બોર્ડની પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટર ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના અધિકારીઓએ પરીક્ષાઓની તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.