આજે પતંગપર્વ; ઘરે ઘરે ધાબાઓ ઉપર પતંગોત્સવ
મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં આજે મંગળવારે પતંગોના પર્વ ઉતરાયણની ઉજવણી કરવા પતંગ રસીયાઓ થનગની રહ્યા છે ત્યારે પતંગ રશિયાઓ દ્વારા ઘરે ઘરે ધાબાઓ પર આજે પતંગોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે.
તેમ ગઇકાલે સોમવારે મોરબીના નગરદરજા ચોકમાં પતંગ-દોરાની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા રસ્તાઓ જામ થઇ ગયા હતા. પતંગ રસિયાઓએ ધાબાઓની સાફસફાઇ કરી પતંગના પેચ લગાવવાની તૈયારીઓ કરી લીધી છે. મકાનના ધાબાઓ ઉપર ચીકી-ઝીંઝરા સાથે પતંગ-દોરાનો સ્ટોક પણ કરી લીધો છે અને આજે ઉત્તરાયણના દિવસે ઘરેઘરના ધાબાઓ ઉપર પતંગોત્સવના પેચ જામશે.
મોરબી શહેરના લોકોએ ગઈકાલે મોડી રાત સુધી પતંગ-દોરા, બોર, શેરડી, ચિક્કી, પીપુડા, ચશ્મા, દુરબીન વિગેરેની ખરીદી કરી હતી. અનેક પતંગબાજોએ મોડીરાત સુધી પતંગને ”કિન્ના” બાંધ્યા હતા. આજે વહેલી સવારથી જ આ પતંગબાજો પતંગ, ફિરકી લઈને અગાશીમાં ચડી ગયા છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ પવન પણ પતંગબાજોને અનુકુળ રહે તેવો હશે.
આજે ઉત્તરાયણને લઇને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે. એ કાપ્યો છે.. લપેટની ચિચિયારીથીઓ ધાબાઓ ગુંજી ઉઠશે. તેમજ ધાબા-અગાશીઓ ઉપર હર્ષોલ્લાસ જોવા મળશે. અને લોકો પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરશે.