આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ; કુંવારીકા બાલિકા અને યુવતીઓ કરશે શિવલિંગનુ પુજન
મોરબી: આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં કુંવારીકા બાલિકા અને યુવતીઓ પૂજન અર્ચન કરી સારો અને ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરે છે. આ વ્રતમાં શિવલિંગ પર દૂધ, જળ, બીલીપત્ર, પુષ્પ સહિતનો અભિષેક કરવામાં આવે છે.
અષાઢ સુદ તેરસથી કુંવારિકાઓ માટે મહત્વના ગણવામાં આવતા એવા જયા પાર્વતી વ્રતનો આજે તા.૧૯-૦૭-૨૦૨૪ ને શુક્રવારથી પ્રારંભ થયો છે. અને ૨૩ જુલાઈના રોજ રાત્રિ જાગરણ કર્યા બાદ તા. ૨૪ જુલાઈએ પારણા કરવામાં આવશે. શાસ્રોમાં આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ હોવાથી આ વ્રતનો વિશેષ મહિમા છે. નાની બાળાઓ જ્વારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે. જયારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે. 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષ કે 20 વર્ષ સુધી અવિવાહિત છોકરીઓ અને પરિણીત મહિલાઓ દ્વારા એક વિશેષ સંકલ્પ સાથે સતત મનાવવામાં આવે છે.
જયા પાર્વતીનું સૌપ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું. આ વ્રત દરમ્યાન ભગવાન શંકર પાર્વતીની પુજા કરી તેમના નામ સ્મરણ કરવા, સદગુણી અને સંસ્કાર પતિ મેળવવા કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે. જે ઘરમાં બાલિકાઓ અને સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ-ઉલ્લાસથી ભરાઈ જાય છે.