પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની શાસક પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને વધુ એક આંચકો લાગ્યો છે. શુક્રવારે વન મંત્રી રાજીવ બેનર્જીએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ જગદીપ ધનકરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલના સંજોગોમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે તેમનો રાજકીય ગઢ જાળવવો એ એક પડકાર રૂપ બની ગયુ છે. રાજીવ બેનર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપેલા રાજીનામાના પત્રમાં લખ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળના પ્રજાની સેવા કરવી એ ખૂબ જ સન્માન અને લહાવો લેવા જેવી વાત છે. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને આ તક મેળવવા બદલ દરેકનો આભાર માનું છું.’ રાજીવ બેનર્જી અગાઉની ઘણી કેબિનેટ બેઠકોમાં સામેલ થયા ન હતા, ત્યારબાદ એવી અટકળો ચાલી હતી કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. જો કે તેમણે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે, પરંતુ તેઓ હજી પણ ટીએમસીના સભ્ય છે. તમને જણાવી દઈએ કે ટીએમસીના નેતાઓએ પાર્ટીમાંથી અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજીનામું આપવાની પ્રક્રિયા ચાલી રાખી છે. સુભેન્દુ અધિકારીઓ સહિત ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં પાર્ટી માટે પોતાના નેતાઓને એકજુથ રાખવાનો એક પડકાર બની ગયું છે. આ સાથે જ રાજ્યમાં ભાજપ સરકાર બનાવવા માટે સખત મહેનત કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ અઠવાડિયામાં બંગાળની મુલાકાત લે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં, એવી અટકળો ચાલી રહી છે કે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઇ શકે છે.