ભારતમાં કોવિડ -19 સંક્રમણના ઝડપથી વધતા જતા આંકડાને જોતાં ત્રીજી કોરોના રસી આવે તેવી સંભાવના છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ માટેની રસીના સ્ટોકને ધ્યાનમાં રાખીને, નિષ્ણાત સમિતિ સોમવારે સ્પુતનિક વી ના કટોકટી ઉપયોગ અંગે બેઠક કરશે. દેશમાં જાન્યુઆરી મહિનામાં કોરોના રસીકરણની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 10,45,28,565 લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશમાં બે COVID-19 રસીઓ બનાવવામાં આવી છે. તેમાંથી એક કોવિશિલ્ડ અને બીજી કોવાક્સિન છે. સાથે જ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં વધુ પાંચ રસી આવે તેવી સંભાવના છે. તેમાં સ્પુતનિક વી, બાયોલોજિકલ ઇ દ્વારા વિકસિત જહોનસન એન્ડ જોહ્ન્સન વેક્સીન, સીરમ ઇન્ડિયાની નોવાવૈક્સ રસી, ઝાયડસ કૈડિલા રસી અને ભારત બાયોટેકની ઇન્ટ્રાનસલ રસી શામેલ છે. હકીકતમાં, મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. જો કે વહીવટી તંત્ર દ્વારા કડક અને સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.વીકએન્ડ લોકડાઉનથી લઇ નાઇટ કર્ફ્યુ સહિત ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, રવિવારે દેશમાં 1,68,912 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે અને 904 સંક્રમિત લોકોનાં મોત નીપજ્યાં છે. સાથે જ, દેશમાં કુલ 12,01,009 સક્રિય કેસ છે.