નેપાળના 52 વર્ષીય કામી રીતા શેરપા શુક્રવારે 25મી વખત વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચ્યાં હતા. આ રીતે તેમણે સૌથી વધુ વખત આ પર્વતની ટોચ પર પહોંચવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે. પર્વતારોહણ અભિયાનના આયોજક સેવન સમિટ ટ્રેક્સના ચેરપર્સન મિંગમા શેરપાએ જણાવ્યું હતું કે, કામી રીતા શેરપા આ અભિયાનમાં અન્ય 11 શેરપાઓનું નેતૃત્વ કરી રહયા છે. શુક્રવારે સાંજે ટીમ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી હતી. કામીએ ૨૦૧૯ માં ૨૪ મી વખત આ પર્વત શિખર પર વિજય મેળવ્યો હતો. 2019માં, તે મહિનામાં બે વાર આ પર્વતશિખર પર ચઢવામાં સફળ રહયા હતા. તેઓ સૌ પ્રથમ મે ૧૯૯૪ માં માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચ્યા હતા. 1994 થી 2021 ની વચ્ચે, કામી રીતા એ માઉન્ટ એવરેસ્ટ 25 વખત, કે2 અને માઉન્ટ લ્હોતસે એક-એક વખત, માઉન્ટ મનાસ્લુ ત્રણ વખત અને માઉન્ટ ચો આયુ પર આઠ વખત ચઢી ચુક્યા છે.
માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહકો કોરોના ચેપના જોખમે
કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી રહ્યો છે એવી સ્થિતિમાં ચીન અને નેપાળે પર્વતારોહણ માટે માઉન્ટ એવરેસ્ટ ખુલ્લો મુકવામાં આવ્યો છે. હવે એવી માહિતી મળી રહી છે કે ઘણા પર્વતારોહકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભૂતકાળમાં સમાન ચેપગ્રસ્ત વિદેશીઓને કાઠમંડુની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કેટલાક પર્વતારોહકોની હાલત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તે કોરોના સંક્રમિત નોંધાયા હતા. કાઠમંડુમાં ખાસ કરીને પર્વતારોહકોની સારવાર માટે બનેલ એક હોસ્પિટલના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ, આસ્થા પંતે બે અઠવાડિયા પહેલા આવેલા દર્દીઓ વિશે જણાવ્યું હતું કે કોરોનાલક્ષણો ધરાવતા દર્દીઓને અહીં લાવવામાં આવ્યા હતા. તેમના આરટી-પીસીઆર ટેસ્ટમાં કોરોના સંક્ર્મણની પુષ્ટિ થઇ હતી.