જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે લોકોને કોના પર આધાર રાખવો તે મોટો સવાલ છે. મોરબીની એક સરકારી શાળામાં ચાર દિવસ પહેલાં ચોરી થઇ હતી અને શાળા સંચાલકે ફરિયાદ કરતાં ચોરીનો ભેદ ઉકેલવાને બદલે આ વિસ્તારમાં આવતી શાળાઓને વિગતે પત્ર પાઠવી એવી સલાહ આપી હતી કે હાલ શાળાઓ બંધ છે અને ઠંડીના લીધે કિંમતી સાધનોનું રક્ષણ થઇ ન શકે, આથી તકેદારીના ભાગરૂપે આવા સાધનો સલામત સ્થળે ખસેડી લેશો.
મોરબીમાં ચાર દિવસ પહેલા એક સરકારી પ્રાથમિક શાળામાં 30 હજારની મત્તાની ચોરી થઈ હતી. જેના જવાબમાં એ-ડિવિઝન પોલીસે શાળાઓને પત્ર લખી જણાવ્યું છે કે, કિંમતી ચીજ વસ્તુઓ સલામત જગ્યાએ લઈ જાવ. શહેરના દલવાડી સર્કલ પાસે આવેલી કપુરાની વાડી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર, સીસીટીવી, ડીવીઆર તથા લેપટોપની ચોરી થઈ હતી. આ અંગે શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.