સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા શશી થરૂર અને વરિષ્ઠ પત્રકારોની ધરપકડ પર રોક લગાવી છે. ટોચની અદાલત દ્વારા રાહત મળતા લોકોમાં કોંગ્રેસના નેતા શશી થરૂર ઉપરાંત પત્રકારો રાજદીપ સરદેસાઈ, અનંત નાથ, પરેશ નાથ, વિનોદ જોસ, મૃણાલ પાંડે, જાફર આગા છે. હવે આ તમામની ધરપકડ પર કોર્ટે સ્ટે આપ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે યુપી સહિત અન્ય રાજ્યોમાં નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની માંગ અંગે પણ નોટિસ ફટકારી છે.
કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઈએ ગત સપ્તાહે પ્રજાસત્તાક દિનના રોજ કૃષિ કાયદાના ખેડુતોની ટ્રેક્ટર પરેડ અંગે ભ્રામક ટ્વીટ્સ બદલ તેમની વિરુદ્ધ દાખલ એફઆઈઆર પર સુપ્રીમ કોર્ટમાં આશરો લીધો હતો. પત્રકારો મૃણાલ પાંડે, ઝફર આગા, પરેશ નાથ અને અનંત નાથે આ એફઆઈઆર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.દિલ્હી પોલીસે 30 જાન્યુઆરીએ થરૂર, રાજદીપ, ‘કારવાં’ મેગેઝિન અને અન્ય સામે કેસ નોંધ્યો હતો. અગાઉ, નોઇડા પોલીસે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થરૂર અને છ પત્રકારો પર હિંસા અને અન્ય આરોપો સાથે રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો. મધ્ય પ્રદેશ પોલીસે થરૂર અને છ પત્રકારો સામે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા અંગે ભ્રામક ટ્વીટ્સ કરવા બદલ પણ કેસ નોંધ્યો છે.તમને જણાવી દઇએ કે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પલટી ખાઈને મરી ગયેલા વ્યક્તિની પોલીસની ગોળીથી હત્યા કરવામાં આવી તેવું ટ્વિટ કર્યું હતું. નોંધનીય છે કે, સરકાર દ્વારા ત્રણેય નવા કૃષિ કાયદાને પાછો ખેંચવા દબાણ બનાવવા માટે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ લેવામાં આવી હતી. પરંતુ ટૂંક સમયમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને દિલ્હીની શેરીઓમાં ભીષણ હિંસા થઈ હતી.