ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ ખેડવાની છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસમાં 3 વન ડે અને ટી-20 મેચ રમવાની છે.ટીમનું ટૂર શેડ્યૂલ બહાર આવ્યું છે. ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થાય છે. બંને ફોર્મેટ માટેની ટીમની પસંદગી આ મહિનાના અંત સુધીમાં થવાની સંભાવના છે. શ્રીલંકા પ્રવાસ માટેની ટીમની પસંદગી ક્યારે થશે અને ટીમનો કેપ્ટન કોણ હશે તે અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. હવે જ્યારે ટીમનું ટૂર શેડ્યૂલ સામે આવ્યું છે ત્યારે તસવીર ખૂબ સ્પષ્ટ થઈ ગઈ છે. કોરોના સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસ પહેલા ટીમને ભારતમાં ક્વોરેન્ટાઇન કરવી પડશે અને પછી પ્રવાસ પર પહોંચ્યા પછી પણ હોટલમાં થોડા દિવસો માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. આ કારણે ટીમની પસંદગી અને પ્રવાસ માટે રવાના થવાનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે.
ટીમની પસંદગી ક્યારે થશે, કેપ્ટન કોણ હોઈ શકે છે ?
ભારતીય ખેલાડીઓને બે અઠવાડિયા સુધી ભારતમાં ક્વોરેન્ટાઇન રહેવું પડશે અને પછી શ્રીલંકાની હોટલમાં ઓછામાં ઓછા ૫ દિવસ વિતાવવા પડશે. આ મહિનાની ૧૫ મી અથવા ૧૬ મી તારીખ સુધીમાં ટીમની પસંદગી થવાની સંભાવના છે. વિરાટ અને રોહિતની ગેરહાજરીમાં અનુભવી ઓપનર શિખર ધવનને કેપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ટીમ ઇન્ડિયા 3 જુલાઈની આસપાસ ચેન્નઈથી શ્રીલંકા જવા રવાના થાય તેવા અહેવાલ સામે આવ્યા છે.
શ્રીલંકા પ્રવાસનું શેડ્યૂલ
13, 16 અને 18 જુલાઈએ ત્રણ વન ડે રમાશે. ટી-૨૦ શ્રેણી ૨૧ જુલાઈથી શરૂ થશે અને આગામી બે મેચ ૨૩ અને ૨૫ જુલાઈએ રમાશે. તમામ મેચો એક જ મેદાન પર કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.