ભારતીય ક્રિકેટ ટીમ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે મોડી રાત્રે યુકે જવા રવાના થશે. આ લાંબા પ્રવાસમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરુઆતની સિઝનની ફાઈનલ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જે ખૂબ જ ખાસ બનવાની છે. ટીમના સુકાની એવા વિરાટ કોહલી પ્રવાસ પર જતા પહેલા મીડિયાનો સામનો કરશે. ભારતીય ટીમ ઇંગ્લેંડની ધરતી પર સાડા ત્રણ મહિના વિતાવવાની છે, જ્યાં ભારતીય ટીમ 18 જૂનથી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ઉતરવાની છે. અગાઉ ટીમે ફરજિયાત ક્વોરેન્ટાઇન પૂર્ણ કરવું પડશે, પરંતુ સારી વાત એ છે કે ખેલાડીએ મુંબઈમાં ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યું હોવાથી તેમને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે અને કોવિડ 19ના નેગેટિવ રિપોર્ટ સાથે ઈંગ્લેન્ડ પહોંચવાની છે.
આ પ્રવાસ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનો મુકાબલો મીડિયા સામે થવાનો છે. જોકે કોરોના વાયરસના રોગચાળાને કારણે આ પ્રેસ કોન્ફરન્સ વર્ચ્યુઅલ સ્વરૂપમાં હશે. કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રીને ઓનલાઇન પ્રશ્નો પૂછી શકાય એમ છે. ઈંગ્લેન્ડ પ્રવાસનો જુલાઈ મહિનો મહેમાન ટીમ ઇન્ડિયા માટે એકદમ કંટાળાજનક બની રહેવાનો છે કારણ કે ઈંગ્લેન્ડ સામે ઇન્ડિયાને ઓગસ્ટમાં ટેસ્ટ શ્રેણી રમવાની છે.
વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ શ્રેણીની તૈયારી કરશે, જ્યારે બીજી ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. પરંતુ કેપ્ટન કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા જેવા ખેલાડીઓ તે ટીમનો ભાગ નહીં બને, પરંતુ તેની ગેરહાજરીમાં શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ શ્રીલંકાના પ્રવાસે જવાના છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ જ ભારતીય ખેલાડીઓને યુએઈ જવું પડશે, જ્યાં આઇપીએલની 14મી સિઝનની બાકીની મેચો યોજાવાની છે.
