ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ગત વર્ષના મે મહિનાની શરૂઆતથીં જ ગતિવિધિઓ ચાલુ છે. આ દરમિયાન, ફરી એકવાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ઘર્ષણ થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અથડામણ ત્રણ દિવસ પહેલા સિક્કિમના નકુલામાં થઈ હતી, જ્યારે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના જવાનોએ સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. ચીનના કેટલાક સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો. સરહદ પર સ્થિત ભારતીય સૈન્યના સચેત સૈનિકોએ તુરંત કાર્યવાહી કરી તેમને રોકી દીધા હતા. આમાં ભારતીય સેનાના 4 જવાનો અને 20 ચીની સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય સૈનિકોએ ચીનની યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું, અને પીએલએના સૈનિકોને પણ ભગાડ્યા હતા. હાલમાં સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે, છતાં તેને સ્થિર માનવામાં આવી રહી છે. ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બગડતી હવામાન પરિસ્થિતિ હોવા છતાં ભારતીય ક્ષેત્રના તમામ સ્થળોએ કડક નજર રાખવામાં આવી રહી છે. ભારત અને ચીન દ્વારા રવિવારે મોલ્ડોમાં સરહદ પર તણાવ ઓછો કરવા માટે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટોનો નવમો રાઉન્ડ યોજાયો હતો, જે બપોરે 2.30 વાગ્યા સુધી ચાલ્યો હતો. 15 કલાક સુધી ચાલી રહેલી લાંબી આ વાટાઘાટોમાં સરહદ પર તણાવ ઓછો કરવા વાતચીત કરવામાં આવી હતી.