મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો, ગુજરાતના આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ તેમજ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હતા. આ બેઠક વિશે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા જેમાં જોવા મળ્યું હતું કે, દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. બેઠક ચાલી રહી હતી તે સ્થિતિએ રાજકોટમાં મ્યુકરના 212 કેસ દાખલ હતા હવે દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે.રાજકોટમાં થઈ રહેલા પ્રયાસો વિશે જોતા તેમણે સૌથી પહેલા મ્યુકર વોર્ડ શરૂ કરવા, સર્જરી શરૂ કરવા તેમજ ઈન્જેક્શનનો જથ્થો મેળવવા મામલે તંત્રના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, સૌથી વધુ કેસ રાજકોટમાં આવી રહ્યા છે પણ આ રોગ સામે લડવા જે આઈસીએમઆરએ ગાઈડલાઈન બનાવી છે તેમાં પણ 4 તબીબનો મહત્ત્વનો ફાળો છે તેથી રાજકોટને સમગ્ર દેશમાં મ્યુકરની સારવાર માટે રોલ મોડેલ બનાવવું જોઈએ. સૌરાષ્ટ્રનું કેન્દ્ર હોવાથી રાજકોટમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં સૌથી મોટો 500 બેડની ક્ષમતાનો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વોર્ડ તૈયાર કરવા સૂચના આપવામાં આવી. જીએમએસસીએલ એન્ટિ ફંગલ ઈન્જેક્શનની ફાળવણી શરૂ કરે તે પહેલા જ 2.5 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની ખરીદી કરી લેવાઈ જેથી તેની અછત નથી.
બીજી બાજુ,રાજકોટમાં આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમાં વેકસીન લેવા રૂ.100 માં ટોકન આપતો વીડિયો સામે આવ્યો.આરોગ્ય કેન્દ્રના સુરક્ષાકર્મી રૂ.100 માં ટોકન આપે છે.કોરોના વેક્સીનેસન માટે ટોકન આપવામાં આવે છે. ટોકનની લાઈનમાં ઉભું ન રહેવું પડે તે માટે પૈસા લઈને ટોકન અપાઈ છે.કોરોનાથી ભયભીત લોકો વેક્સિન લેવા માટે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચે છે, પરંતુ ત્યાં પણ 45થી વધુ વયના વેક્સિન લેવા ઇચ્છુક લોકોને વેક્સિન લેતા પહેલા ટોકન લેવું પડે છે અને આવા ટોકન આરોગ્ય કેન્દ્રમાં રૂ.100-100માં વેચાઇ રહ્યાનો ધડાકો થયો છે. નવાઈની વાત તો એ છે કે રાજકોટના મેયર ટોકનમાં કોઇ ગોલમાલ થાય નહીં તે માટે આરોગ્ય કેન્દ્રમાં રૂબરૂ ગયા હતા અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફને સૂચનાઓ આપી રહ્યા હતા ત્યારે તેમની પીઠ પાછળ જ ટોકન રૂ.100માં વેચાતા હતા અને મેયરને તેની જાણ પણ નહોતી.