અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ મુસ્લિમ સમાજને જે 5 એકર જમીન મળી છે ત્યાં પ્રજાસત્તાક દિન નિમિત્તે મસ્જિદનો પાયો નાખવામાં આવ્યો હતો. આ મસ્જિદ અયોધ્યા જિલ્લાના ધનીપુર ગામમાં બનાવવામાં આવશે. મસ્જિદના નિર્માણ માટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા રચિત ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન, દ્વારા આ મસ્જિદનું નામ સ્વતંત્ર સેનાની મૌલવી અહમદુલ્લાહ શાહના નામ પર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ સુન્ની વકફ સેન્ટ્રલ બોર્ડના પ્રમુખ સહિત ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના તમામ 9 ટ્રસ્ટી સભ્યોમાંથી 6 સભ્યોએ છોડવાઓ રોપીને ધનીપુર ગામમાં મસ્જિદનો શિલાન્યાસ કર્યો. ફાઉન્ડેશનના સેક્રેટરી અથર હુસેને જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિન નિમિત્તે મસ્જિદની જમીન પર સૌથી પહેલા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીત પછી, પાંચ એકર જમીનમાં વૃક્ષારોપણ કરીને મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સોમવારે મસ્જિદના નિર્માણ માટે જમીન તપાસવાની કામગીરી શરૂ થઈ હતી. જમીન તપાસની કામગીરી 3 દિવસ ચાલશે આ પછી, ટ્રસ્ટને એફસીઆરએ પાસેથી લીલી ઝંડી મળતા જ મસ્જિદનું નિર્માણ શરૂ થશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, મસ્જિદ માટે મળેલ પાંચ એકર જમીનમાં મસ્જિદ ઉપરાંત, પાંચ એકરના પ્લોટના મધ્યમાં, હોસ્પિટલ, પુસ્તકાલય, શૈક્ષણિક અને સાંસ્કૃતિક રિસર્ચ સેન્ટર બનાવવા માટેની રૂપરેખા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ મસ્જિદનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ જશે.