ટંકારાના નેકનામ ગામે ગૌચર તથા ખરાબામાં થયેલ દબાણ દુર કરવા ગ્રામજનોની કલેકટરને રજૂઆત
ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે ગૌચર તેમજ ખરાબાની જમીનમાં એક શખ્સે દબાણ કરેલ હોય જે દબાણ દુર કરવા કલેકટરને નેકનામ ગામના ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
ટંકારા તાલુકાના નેકનામ ગામના ગ્રામજનો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના નેકનામ ગામના રહીશો અને પશુપાલન વ્યવસાય કરીએ છીએ જેથી નેકનામ ગામની સીમમાં સર્વે નં. ૨૭ પૈકી/૧ જે સરકારી ખરાબા તેમજ ગૌચર ઉપર ગેરકાયદેસર દબાણ કરી વાવેતર કરી ઉપજ લેતા દબાણ કરનાર ધનજીભાઈ રતનશીભાઈ રતનપરા નામના વ્યક્તિએ નેકનામ ગામે સરકારી સર્વે નંબર ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેના કારણે રહિશોને પશુધનને ચરીયાણનો પ્રશ્ન રહેતો હોય આ બાબતે ગ્રામજનો દ્વારા અગાઉ ટંકારાનાં અધિકારીઓ પાસે લેખીત મૌખીક રજુઆત પણ કરેલ હતી જે તે સમયે ટંકારાના મામલતદાર સ્થળ ઉપર આવી દબાણ દુર કરવાનું જણાવેલ છતાં આજ દિવસ સુધી દબાણ દુર કરેલ નથી.
જેથી માલધારી પોતાના માલઢોર લઈને આ સર્વે નંબર તરફ જઈએ છીએ તો માલધારીઓ સાથે મારકુટ કરવાની તેમજ કેસ કરવાની ધમકીઓ આપે છે અને માલધારી ઉપર ટંકારા પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ આપી અને ખોટા કેસ પણ કરેલ છે. હજુ માલધારીઓને દહેશત છે કે ધનજીભાઈ નામની વ્યક્તિ પશુપાલકો ઉપર જીવલેણ હુમલો કરશે અથવા તો કરાવશે અથવા તો ખોટા કેસ કરશે અને ગમે ત્યારે આ વ્યકિત સુલેહ શાંતિનો ભંગ કરશે તેવી માલધારીઓમા દહેશત છે. તેથી તાત્કાલિક માલઢોરનો ચરીયાણનો પ્રશ્ન હલ કરી દબાણ હટાવી ધનજીભાઈ નામના વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુન્હો દાખલ કરવા નેકનામ ગામના રહિશો દ્વારા માંગ કરવામાં આવી છે.