ટંકારાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ટંકારા: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી ટંકારા, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા પંચાયત મોરબીના શિક્ષણ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, ટંકારાતાલુકા ભાજપ પ્રમુખ,ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા ભાજપ સંગઠન ટીમ, વીરપર ગ્રામ પંચાયત ના સરપંચ, લજાઈ ગ્રામ પંચાયત વહીવટદાર દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં લજાઈ ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ જેમાં કુલ ૫૪ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબ.ટેક. સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ટંકારા ડો.અક્ષય, મેડીકલ ઓફિસર લજાઈ ડો. સૃષ્ટિ ભોરણીયા, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશભાઈ મેવા, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.