ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ
ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આજે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસની ભવ્ય ઉજવણી કરાવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે માનવીય અભિગમ દાખવી સરકારે લોકોના આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો કરેલ છે.
જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામુહિક ચિંતા કરી તેમને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમમાં વધારો કર્યો છે, સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં લોકલ દાતા દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવે છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વર્ષ 2024 માં 45 ગ્રામ પંચાયતમાંથી 14 ગ્રામ પંચાયત ધારા ધોરણ મુજબ વેરિફિકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ. આ જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયતના સરપંચને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકાર દ્વારા નિર્ધારિત થયેલ ગાંધીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપેલ.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચાર્મિબેન ભાવિનભાઈ સેજપાલ તેમજ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિબેન ભોરણીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશભાઈ કે. પટેલ , ટીબી સુપરવાઇઝર પ્રતીક દેવમુરારી ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ વર્ષાબેન ગોસ્વામી , લક્ષ્મણભાઈ ચાવડા, અક્ષય ગોસ્વામી તેમજ કાજલબેન મહેતા એ કરેલ હતું.