ટંકારા અમરાપર રોડ પર હીટ એન્ડ રન: પૂરઝડપે આવતી કારે બાળકને હડફેટે લેતા મોત
ટંકારા અમરાપર રોડ પર પૂર ઝડપે આવતી કારે રસ્તા પર રમી રહેલા બાળકને હડફેટે લીધું હતું. જેને પગલે બાળકનું મોત નીપજ્યું હતું. જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના અમરાપર રોડ પર મૃતકના પિતા રાયધનભાઇ સવશીભાઇ વાધેલાએ આરોપી કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા.૨૯ના રોજ રાયધનભાઈનો અઢી વર્ષનો દીકરો રાજેશ ઘર પાસે રોડની સાઈડમાં રમતો હતો. એ વખતે આરોપી કાર GJ10DA-4966ના ચાલકે પૂર ઝડપે પોતાની કાર હંકારી હતી અને રાજેશને હડફેટે લીધો હતો.
જેને પગલે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રાજેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને પગલે લોહી લુહાણ અવસ્થામાં રાયધનભાઈ તેને સારવાર અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે રાજેશ ને ચકાસીને મૃત જાહેર કર્યો હતો બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ટોળગામ તરફ નાસી ગયો હતો. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.