સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસની શિક્ષક દિકરીઓ દ્વારા હરિયાળી ઉજવણી
ટંકારા: ભુતકોટડા ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાએ તેમના પિતા સ્વ. મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસ હોય, તેમની યાદમાં શાળામાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરવાનું નક્કી કર્યું.
આ માટે શાળામાં ઔષધીય રોપા તેમજ ફૂલછોડના આશરે 50 જેટલા રોપાનું શાળાના આચાર્ય હસમુખ ભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકોના સહયોગથી રોપણ કરાવ્યું. સાથોસાથ ‘એક બાળ એક ઝાડ’ અંતર્ગત ભુતકોટડા ગામમાં જેમની ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તેમના નામનું એક વૃક્ષ વાવવાનું નક્કી કર્યું. ગીતા બેનના પિતા તેમના વતન સરપદડમાં શિક્ષક હતા. તેમના જીવનકાળ દરમ્યાન બાળકોના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમની પાંચેય દીકરીઓ આજે સરકારી ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ તેમના પગલે ચાલી બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. આજે તેમના સ્વર્ગીય શિક્ષક પિતા મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસ પાંચેય દીકરીઓએ વૃક્ષારોપણ કરી અલગ રીતે ઉજવણી કરી સમાજને એક અલગ રાહ ચીંધી છે.