નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ કેસમાં અભિનેતાના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી છે. સિદ્ધાર્થની શુક્રવારે સવારે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 14 જૂનએ સુશાંતના મૃત્યુને એક વર્ષ પૂરું થઇ જશે. સિદ્ધાર્થ પિઠાની એ ચાર લોકોમાં સામેલ છે જેઓ તેમના મૃત્યુ સમયે સુશાંતના ઘરે હાજર હતા. આ કેસમાં મુંબઇ પોલીસ અને સીબીઆઈ દ્વારા સિદ્ધાર્થની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંતની ડેડબોડી તેના રૂમમાં પંખા સાથે લટકતી મળી આવી હતી. સુશાંતના નિધનથી બૉલીવુડ જગતને આંચકો લાગ્યો હતો. ઘણી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયામાં લોકોએ સુશાંતને લાંબા સમય સુધી શ્રદ્ધાંજલિ આપવાનું ચાલુ રાખ્યું હતું. આ કેસમાં સુશાંતની તે સમયની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને મુખ્યઆરોપી બનાવવામાં આવી હતી. સુશાંતના પિતા કે.કે.સિંહે પટણામાં તેમની સામે નામાંકન રિપોર્ટ દાખલ કર્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. વોટ્સએપ ચેટ દ્વારા ડ્રગનો કેસ પ્રકાશમાં આવ્યો હતો. એનસીબીએ રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરી હતી, જે હાલમાં જામીન પર છે. આ મામલે હજી સુધી કોઈને ક્લીન ચિટ આપવામાં આવી નથી. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સીબીઆઈ તરફથી મળેલી ફોન અને વોટ્સએપની વિગતોના આધારે એનસીબીએ સિદ્ધાર્થ પિઠાની સામે કાર્યવાહી કરી છે. તેના ડ્રગ સપ્લાયર્સ સાથેના કનેક્શન હોવાના પુરાવા મળ્યાં છે. .
જણાવી દઈએ કે સિદ્ધાર્થ પિઠાની ગ્રાફિક ડિઝાઇન એજન્સીમાં કામ કરતો હતો. સિદ્ધાર્થ સુશાંતના ડ્રીમ 150 પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો. જોકે, બાદમાં પિઠાનીએ સુશાંતનું કામ છોડી દીધુ હતું અને અમદાવાદમાં નોકરી કરી હતી. અહેવાલો અનુસાર સુશાંતે જાન્યુઆરી 2020માં સિદ્ધાર્થને બોલાવી લીધો હતો અને બીજીવાર તેને ડ્રીમ 150 પ્રોજેક્ટ જોડાવા કહ્યું હતું.