નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓ સામે ખેડૂતો છેલ્લા દોઢેક માસથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યાં છે છતાં પણ કેન્દ્રની ભાજપ/મોદી સરકાર આ બાબતે ટસની મસ થતી નથી અને ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે મોદી સરકારનો ઉઘાડો લેતા સરકાર કાયદા પર સ્ટે લાવે અથવા પોતે સ્ટે આપશે એવી ચેતવણી આપી છે. કાયદાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અનેક પિટિશનો પર સુપ્રીમ કોર્ટમાં છેલ્લી સુનાવણી થઈ છે.
સુપ્રીમ કોર્ટ આજે અથવા આવતી કાલે કાયદાઓને લઈને ચુકાદો આપી શકે છે. આ દરમિયાન વિરોધપક્ષ કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓનો હવાલો આપીને કહ્યું કે, હવે ભાજપ સરકારે માની લેવું જોઈએ કે તે કૃષિકાયદાઓ થકી ખેડૂતોના વિનાશની પટકથા લખી રહી છે અને ખેડૂતોનું આંદોલન યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટે આ બાબતે જણાવ્યું હતું કે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, શું આ કાયદાઓનો રોકી શકાય એમ નથી ? મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ કહ્યું કે હાલ જે થઈ રહ્યું છે તેને લઈને તેઓ ખૂબ નિરાશ છે. ચીફ જસ્ટિસે સરકારનો પક્ષ રજૂ કરી રહેલા ઍટર્ની જનરલ કે. વેણુગોપાલને પૂછ્યું કે, શું વાતચીત નિષ્ફળ ગઈ છે ?
સુપ્રીમ કોર્ટે કહ્યું આ બધુ એક મહિનાથી ચાલી રહ્યું છે, અમને એ નથી સમજાઈ રહ્યુ કે સરકાર અને ખેડૂતો વચ્ચે શું વાતચીત થઈ રહી છે. આ એક સંવેદનશીલ સ્થિતિ છે અને અમે ઇચ્છીએ છીએ કે આનો કોઈ સોહાર્દપૂર્ણ ઉકેલ આપી શકીએ. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે પરેશાની શું છે, શું કાયદાઓને થોડો વખત રોકી ન શકાય ? ચાલી શું રહ્યું છે ? લોકો આત્મહત્યા કરી રહ્યાં છે, વૃદ્ધો પરેશાન છે, મહિલાઓ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે, શું ચાલી રહ્યું છે ?
સુપ્રીમ કોર્ટે કહ્યું, અદાલત સામે એવી કોઈ અરજી નથી આવી જે આ કાયદાઓ સારા છે એમ કહેતી હોય. સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું, તમે સમાધાનનો ભાગ છો કે સમસ્યા છો એ અમને નથી ખબર. સુપ્રીમ કોર્ટે કૃષિકાયદાઓ પર સમિતિની જરૂરિયાત હોવાની વાત ફરી કરી અને કહ્યું કે જો પેનલ કાયદાઓ લાગુ કરવા પર રોક લગાવવાની ભલામણ કરશે તો તેઓ તેને માનશે.
સુપ્રીમ કોર્ટે કૃષિકાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોને પણ કહ્યું કે, તમને ભરોસો હોય કે ન હોય અમે ભારતની સર્વોચ્ચ અદાલત છીએ અને અમે અમારું કામ કરીશું. સુપ્રીમ કોર્ટના આ કેસમાં ડીએમકે સાંસદ તિરુચિ શિવા અને આરજેડી સાંસદ મનોજ ઝાની પિટિશનો પણ સામેલ છે જેમાં આ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને તરત હઠાવવાની માગ કરતી પિટિશન બાબતે પણ સુનાવણી થવાની છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa