રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી અને અદાણીની સંપત્તિમાં અનુક્રમે 84 અબજ ડોલર અને 78 અબજ ડોલરનો વધારો થયો છે.
મુકેશ અંબાણીની નેટવર્થ 84 અબજ ડોલર.
બ્લૂમબર્ગ બિલિનએર ઇન્ડેક્સના અહેવાલ મુજબ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 84 અબજ ડોલર એટલે કે 6.13 લાખ કરોડ રૂપિયા છે. તેઓ વિશ્વના 12મા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે અને એશિયામાં નંબર વન છે. ગૌતમ અદાણીની નેટવર્થ 78 અબજ ડોલર એટલે કે 5.69 લાખ કરોડ રૂપિયા છે. થોડા દિવસ પહેલા બંને વચ્ચે 75 હજાર કરોડનો તફાવત હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન અદાણીની નેટવર્થમાં તીવ્ર વધારો થયો છે.
અદાણી કંપનીઓના શેરમાં વધારો.
અદાણીની લિસ્ટેડ 6 કંપનીઓના શેરમાં છેલ્લા 15 દિવસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ૨૦ ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે અદાણી ટોટલ ગેસમાં ૩૫ ટકાનો વધારો થયો છે. એ જ રીતે છેલ્લા 3 દિવસમાં અદાણી પાવરમાં 45 ટકાથી વધુનો વધારો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એટલા માટે અદાણીની નેટવર્થ વધી છે. જોકે ગયા સપ્તાહે અચાનક બે દિવસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ૧૦ ટકાનો વધારો થયો હતો. હવે તે રૂ.2100ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
જેના કારણે એશિયાના તે બંને સૌથી ધનિક ઉદ્યોગપતિઓ બન્યા છે. વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં અંબાણી 12મા અને અદાણી 14મા ક્રમે છે. બોટલ વોટર કિંગ તરીકે ઓળખાતા ચીનના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઝોંગ શાનશન 15મા ક્રમે છે, જે ડિસેમ્બર 2020માં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
ચીનના અન્ય ઉદ્યોગપતિઓમાં ટેન્સેન્ટના સ્થાપક અને સીઈઓમા હુએટેન 21મા ક્રમે અને અલીબાબાના જેક મા 27મા ક્રમે છે. આ યાદીમાં મુકેશ અંબાણીથી આગળ રહેલા તમામ લોકો અમેરિકાના બિઝનેસમેન છે. વિપ્રોના અઝીમ પ્રેમજી ૪૩મા ક્રમે છે અને એચસીએલના સ્થાપક શિવ નાડર ૭૦મા ક્રમે છે. આ યાદીમાં ભારતીયો કરતા ચીનના અમીર લોકોની સંખ્યા વધારે છે.
બેઝોસ 190 અબજ ડોલર સાથે ટોચ પર.
એમેઝોનના જેફ બેઝોસ 190 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં ટોચ પર છે. ફ્રાન્સના નાગરિક બર્નાર્ડ અરનોલ્ટ બીજા, ટેસ્લાના એલન મસ્ક ત્રીજા, બિલ ગેટ્સ ચોથા અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પાંચમા ક્રમે છે. વિશ્વની સૌથી ધનિક મહિલા ફ્રેન્કોઇસ બેટનકોર્ટ 10મા ક્રમે છે.