અત્યાર સુધીમાં તમે જોડિયા બાળકો, અથવા ત્રણ અને વધુમાં વધુ ચાર બાળકો સાથે જન્મ્યા હોવાનું સાંભળ્યું હશે, પરંતુ તાજેતરમાં એક મહિલાએ એક સાથે નવ બાળકોને જન્મ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હકીકતમાં, માલિ ની એક મહિલાએ મંગળવારે મોરોક્કોમાં એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો હતો. બધા બાળકો અને માતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. પશ્ચિમ આફ્રિકાના દેશ માલી સરકારે દાવો કર્યો છે કે તેમની એક મહિલા નાગરિકે એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો છે. માલિ સરકારે 30 માર્ચે 25 વર્ષીય હલીમા સીજેને સારી સંભાળ માટે મોરોક્કો મોકલી હતી. હલીમાને અગાઉ તેના ગર્ભમાં સાત બાળકો હોવાનું માનવામાં આવતું હતું. સાત બાળકો એક સાથે જન્મે તે પણ ભાગ્યે જ બને છે, પરંતુ નવ બાળકો એક સાથે જન્મે તે ખૂબ જ દુર્લભ છે. જોકે મોરોક્કોના અધિકારીઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.
માલી સરકારનો દાવો છે કે મોરોક્કોએ પુષ્ટિ કરી નથી
મોરોક્કોના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા રચિદ કૌધરીએ જણાવ્યું હતું કે તેમને દેશમાં આવા નવ બાળકોના જન્મની કોઈ જાણકારી નથી, પરંતુ માલીના આરોગ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે હલીમાએ સિઝેરિયન દ્વારા પાંચ છોકરીઓ અને ચાર છોકરાઓને જન્મ આપ્યો છે. માલીના આરોગ્ય પ્રધાન ફાંટા સિબીએ જણાવ્યું હતું કે માતા અને બાળકો અત્યાર સુધી સ્વસ્થ છે.
પ્રથમ સાત બાળકો હોવાનો અંદાજ હતો.
માલીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહિલાએ માલી અને મોરોક્કો બંનેમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું, જેમાં ખુલાસો થયો હતો કે તેના ગર્ભમાં એક કે બે નહિ સાત બાળકો છે. આ સમાચાર સાંભળીને બધાને આશ્ચર્ય થયું, પરંતુ જ્યારે મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો ત્યારે આ સમાચાર વિશ્વભરમાં ફેલાઈ ગયા કારણ કે અત્યાર સુધીમાં એક સાથે નવ બાળકોનો જન્મ થવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.