કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોવીડ -19 ની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. બેઠકમાં રાજ્યોમાં કોવિડ -19 ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર સહિતના ઘણા રાજ્યોમાં કોરોના રસીનો અભાવ જોવા મળ્યો છે. એક દિવસ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કોવિડ -19 રસીના નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે પોતાના પત્રમાં એમ પણ કહ્યું હતું કે અન્ય રસીઓને પણ ફાસ્ટ ટ્રેક રીતે મંજૂરી આપવી જોઈએ. ઉપરાંત, જેને રસીની જરૂર હોય તે લગાવી શકે,એવી વ્યવસ્થા શરૂ કરવાની જરૂર છે. તેમણે વડા પ્રધાન મોદીની આલોચના કરી અને પૂછ્યું કે શું રસીના નિકાસ દ્વારા પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ? મુખ્યમંત્રીઓ સાથે 11 થી 14 એપ્રિલ સુધી રસીકરણ અભિયાન માટે વડા પ્રધાનની અપીલનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે કોરોના કેસ વધી રહ્યા હોવાથી રસીનો અભાવ એક ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે રસીકરણનો પહેલો ફાયદો ભારતને મળ્યો, છતાં આપણે ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છીએ.