વાળીનાથની શિવયાત્રા કાલે મોરબીમાં પધારશે, રબારી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન
લાલપરથી મકનસર સુધી અભૂતપૂર્વ શોભાયાત્રા બાદ ધર્મસભા યોજાશે
મહેસાણા જીલ્લાના વિસનગર નજીક આવેલ તરભ ખાતે વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નિર્માણ પામેલ શિવધામમાં પ્રસ્થાપિત થનાર અતિપાવન મહાશિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી ફેબ્રુઆરી મહિનામાં રબારી સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા બે’ક મહિનાથી વાળીનાથ મંદિરના મહંત પ. પૂ. શ્રી જયરામગીરી બાપુની નિશ્રામાં નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર પાવન કલ્યાણકારી મહાશિવલિંગનું ગુજરાતના શહેરોમાં પરિભ્રમણ થઈ રહ્યું છે.
મોરબીમાં આ શિવયાત્રાની પધરામણી થવાની છે ત્યારે મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા ભવ્ય શોભયાત્રા, ધર્મસભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવલિંગની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે તા. 17 જાન્યુઆરીને બુધવારના રોજ બપોરે 2 વાગ્યે લાલપર ગામથી શરૂ થઈને મકનસર ગામે પૂર્ણ થશે જ્યાં ધર્મસભા યોજાશે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મચ્છુકાંઠા રબારી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને ભાઈઓ-બહેનોને બહોળી સંખ્યામાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.