કોરોનામહામારી વચ્ચે શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના સંકટનો સામનો કરવાને બદલે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કમર કસી રહ્યું છે. શિવસેનાનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશની પંચાયતની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું નથી અને બંગાળથી પણ નિરાશા મળી હતી. જ્યારે દેશમાં કોરોનાની ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના સામેની લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નહીં તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બનશે અને ગંગા માત્ર હિન્દુઓની શબવાહિની બનીને રહી જશે.
શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા આ જણાવ્યું હતું. શિવસેનાએ દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ‘મિશન ઉત્તર પ્રદેશ’ પર ચર્ચા કરવા માટે બેઠક યોજી છે. ‘સામના’ના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે બંગાળ મિશન નિષ્ફળ ગયા બાદ પણ મોદી-શાહ અને યોગીએ મિશન ઉત્તર પ્રદેશનો કબજો સંભાળી લીધો છે. મોદી અને શાહ સાથે મળીને ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણી પર વિચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ એક વર્ષ બાદ ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપ એવી રીતે કામમાં લાગી ગઈ છે, જાણે કે દેશની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ ગઈ છે. બાકી કંઈ બચ્યું નથી, માત્ર ચૂંટણીની જાહેરાત કરવી, ચૂંટણી લડવી અને મોટી બેઠકો, રોડ શો યોજીને તેમને જીતવું એ જ એક માત્ર કામ બાકી છે. માન્યું કે સંસદીય લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે. પરંતુ શું હાલનો સમય ચૂંટણી માટે લાયક છે? બંગાળ સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના કિસ્સામાં પણ કોરોના રોગચાળાને કારણે વાતાવરણ તણાવભર્યું થઇ ગયું હતું.
સામનામાં લખ્યું છે કે ઉત્તર પ્રદેશ પણ કોરોના રોગચાળાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં હાલત બરોબર નથી. રાજ્યની પરિસ્થિતિને જોઈ વિશ્વની આંખો ચકિત થઇ ગઈ છે. લોકો નદીઓમાં મૃતદેહો વહાવી રહ્યા છે, કાનપુરથી પટના સુધી ગંગાકિનારે મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે. આ પીડાદાયક તસવીરો વિશ્વભરના મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, જેમાં વડા પ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશ સરકારની કાર્યક્ષમતા અંગે પ્રશ્નો ઉભા થયા છે. કથળતી છબીને સુધારવા માટે પણ મંથન ચાલી રહ્યું છે.