પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ અફ્રિદીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં રમવા માટે ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાની અનુમતી દેવા પર ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) ની ટીકા કરી છે. અફ્રિદીએ કહ્યું કે દુઃખની વાત છે કે ટી 20 લીગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અસર કરી રહી છે. પાકિસ્તાની ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. પાકિસ્તાને બુધવારે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ પર 2-1થી કબજો મેળવ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે ટી -20 શ્રેણી રમાશે. એક ટ્વીટમાં અફ્રિદીએ કહ્યું કે, ‘આશ્ચર્યની વાત એ છે કે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ તેમના ખેલાડીઓને એક સિરીઝની વચ્ચે આઇપીએલ માટે યાત્રા કરવાની પરવાનગી આપી દીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ટી -20 લીગ અસર કરતી જોઈને દુઃખ થાય છે. તે ધ્યાનમાં લેવાની જરૂર છે !! ‘ તમને જણાવી દઈએ કે આઈપીએલને કારણે ક્વિંટન ડી કોક, કગિસો રબાડા, અને ક્રિસ મોરિસ સહિત ઘણા ખેલાડીઓ પાકિસ્તાન સામેની શ્રેણીનો હિસ્સો નહોતા. આ કારણોસર અફ્રિદીએ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ અને બોર્ડ પર નિશાન સાધ્યું છે. ઓપનર બેટ્સમેન ફખરની સતત બીજી સદીની મદદથી, પાકિસ્તાને ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 28 રનથી હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી. સુપરસ્પોર્ટ પાર્કમાં રમાયેલી આ મેચમાં ફખરે 101 અને કેપ્ટન બાબર આઝમે 82 દડામાં 94 રન ફટકારી પાકિસ્તાનને 320-7 ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 292 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થશે. ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) શુક્રવારે ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.