સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ગગડ્યું: ભુક્કા બોલાવતી ઠંડીએ જોર પકડ્યું
મોરબીમાં ઘણા દિવસોથી હાડ થિજાવતી ઠંડી બોકાસો બોલાવી રહી છે, ટાઢ ઉડાડવા માટે લોકો ગરમ તાપણાના સહારે આવી ગયા છે.તા. 18થી 22 સુધી 10-11 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા ગુજરાતવાસીઓ ભુક્કા બોલાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે.આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી હિમવર્ષા થયા બાદના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે.
કચ્છના નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજકોટ 8.2 ડિગ્રી ઠંડીમાં ઠુઠવાયું હતું. આમ, એક દિવસમાં રાજકોટના સરેરાશ લધુતમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જ રહે તેવી સંભાવના છે.