સરવડ પી.એચ.સી.ને વિવિધ સાધન સહાય અર્પણ કરી વતન પ્રેમ પ્રગટ કરતું સુરાણી પરિવાર
આરોગ્ય સુવિધા વધુ શ્રેષ્ઠ બનાવવા એક્ઝામિનેશન ટેબલ અને કેસકાર્ટ ટ્રોલી સહિત સાધનનું દાન કરાયું
મોરબી જિલ્લા માળિયા તાલુકાના સરવડ ગામે સુરાણી પરિવાર દ્વારા લોકોના સારા આરોગ્ય અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આશરે એક લાખ સુધીની વિવિધ સાધન સહાય આપી આરોગ્ય માળખું વધારે સુવિધાયુક્ત બનાવવા એક આગવી પહેલ કરવામાં આવી છે.
સરકાર દ્વારા ગામડાઓ સુધી શિક્ષણ, આરોગ્ય, રમતગમત, સલામતી, વાહનવ્યવહાર, પ્રવાસન તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ વધુ વિકસે તેમજ ગામડાઓના જિલ્લામાં અન્ય સ્થળે, જિલ્લા બહાર કે રાજ્ય બહાર અથવા તો વિદેશમાં સ્થાયી થયેલા લોકોને ગામડા પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન થાય તે માટે સરકાર દ્વારા વતન પ્રેમી યોજના શરૂ કરવામાં આવી છે. આ પહેલ થકી આ યોજના સિવાય પણ ઘણા લોકો ગામડાઓને વધુ સુવિધાસભર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ગામડાઓને વિકસિત બનાવવાના આ યજ્ઞમાં એક આહુતિ મોરબી જિલ્લામાં સરવડ ગામના સુરાણી પરિવારે પણ આપી છે. માળિયા તાલુકાના સરવડ ગામના વતની અને હાલ મોરબી ખાતે સ્થાયી થયેલા એવેન્યુ ગ્રુપના ડાયરેક્ટર અમિતભાઈના પિતા પ્રાણજીવનભાઈ દેવશીભાઈ સુરાણી અને કાકાશ્રી જીવરામભાઈ દેવશીભાઈ સુરાણી દ્વારા વતન પ્રેમ પ્રગટ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડને બે એક્ઝામિનેશન ટેબલ અને એક કેસકાર્ટ ટ્રોલીનું દાન આપવામાં આવ્યું છે. ઉપરાંત તેઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગનો મેઈન ગેટ પણ બનાવી આપવામાં આવનાર છે.
સરવડ ગામના સુવિધાસભર આરોગ્ય કેન્દ્રને બધું સુવિધાયુક્ત બનાવવા માટે ગ્રામ પ્રત્યે અનહદ લાગણી વ્યક્ત કરી દાતા પરિવાર દ્વારા સાધન સહાય સહિત એક લાખ જેટલું દાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરાલી ભાટીયા તથા પંકજભાઈ પીઠડીયાને અર્પણ કરવામાં આવ્યું હતું. સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સુરાણી પરિવારની આ પહેલ પોંખી લેવામાં આવી હતી તેમણે ગામ તેમજ સરકાર વતી સુરાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.